વોશિંગ્ટનઃ અમેરિકી રાજનીતિમાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં છ ભારતવંશી સભ્યોએ શપથ લીધા છે. આ પહેલી વખત છે કે જ્યારે ભારતવંશીઓની કુલ સંખ્યા 6 થઇ છે. જેમાં ડો. અમી બેરા, સુહાસ સુબ્રમણ્યન્, શ્રી થાનેદાર, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલ સામેલ છે. ઉલ્લેખનીય છે કે 1957માં દલીપસિંહ સોન્દ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચનારા પ્રથમ ઈન્ડિયન અમેરિકન હતા.
ડો. અમી બેરાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે જ્યારે 12 વર્ષ પહેલાં તેમણે પ્રથમ વખત શપથ લીધા હતા ત્યારે તે કોંગ્રેસના એકમાત્ર અને અમેરિકન ઈતિહાસના ફક્ત ત્રીજા ઈન્ડિયન-અમેરિકન મેમ્બર હતા. હવે આ સંખ્યા 6 પર પહોંચી ગઈ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષોમાં વધુને વધુ ઈન્ડિયન-અમેરિકન કોંગ્રેસમાં સામેલ થશે. બેરાએ સતત સાતમી વખત કેલિફોર્નિયાના પ્રતિનિધિ તરીકે શપથ લીધા છે.