બોરીવલીઃ ચીકુવાડી પાસે આવેલા ગોરાઈ રોડની પાછળ સાંજે સાડા પાંચ વાગ્યે ૭૫ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનને બાઇકસવારે અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. બોરીવલીના ચીકુવાડી પાસે સરસ્વતી બિલ્ડિંગમાં આઠમા માળે રહેતા અને અમેરિકાથી પાછી ફરેલા ૭૫ વર્ષીય નાનાલાલ ગોવાણી (પટેલ) નવમી મેએ ગોરાઈ રોડની પાછળ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે ૧૯ વર્ષના બાઇકસવાર વરુણ ટીસે તેમને અડફેટે લેતાં તેમને માથાના ભાગમાં તથા શરીરે ઇજા થઈ હતી. સારવાર માટે ગોવાણીને ભગવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાઇકસવાર વરુણને ઈજા થવાથી તેને બોરીવલીની સાયલી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અકસ્માતને નજરે જોનારા શૈલેશ શાહે કહ્યું હતું કે, નાનાલાલ ગોવાણીનો પરિવાર અમેરિકામાં રહે છે. તેઓ થોડા સમય પહેલાં જ અમેરિકાથી ભારત આવ્યા હતા. તેમનાં પત્ની લાભુબહેન પણ હાલ અમેરિકામાં છે. તેમના બે પુત્રો પ્રકાશ અને ડો. હિતેશ અને બે પુત્રીઓ પણ અમેરિકામાં રહે છે. આ ઘટના વિશે તેમને જાણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતના મામલે વરુણ સામે ફરિયાદ દાખલ કરી છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.