વોશિંગ્ટન: અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર માઇકલ ફ્લિને અંતે પોતાનું રાજીનામું ૧૪મી ફેબ્રુઆરીએ આપી દીધું છે. ફ્લિન પર આરોપ છે કે, તેમણે ટ્રમ્પ પ્રમુખ બન્યા એ પહેલાં રશિયન રાજદૂત સાથે અમેરિકા દ્વારા રશિયા પર મૂકેલા પ્રતિબંધો મુદ્દે ગુપ્ત રીતે ચર્ચા કરી હતી. જે વિદેશ નીતિના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
રશિયન રાજદૂત સાથે બિનસત્તાવાર રીતે ચર્ચા કરવાના આરોપથી ફ્લિન પર ઘણાં સમયથી રાજીનામું આપી દેવાનું દબાણ હતું. ફ્લિન પાકિસ્તાનની નીતિના તેમજ ઇસ્લામિક આતંકવાદના કટ્ટર વિરોધી હતા. તેથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માટે તેમનું રાજીનામું મોટા આંચકા સમાન સાબિત થયું છે. હાલમાં જ અમેરિકી અદાલતે સાત ઇસ્લામિક દેશોના નાગરિકોની પ્રવેશબંધીના નિર્ણય વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માટે પહેલો મોટો ઝટકો હતો.