વોશિંગ્ટનઃ અમેરિકામાં અલાબામા, મિસિસિપી, લુસિયાના, ઈન્ડિયાના, આર્કાન્સાસ, મિસૌરી, ઇલિનોય અને ટેનેસી રાજ્ય વાવાઝોડાની લપેટમાં આવી ગયાં છે. અહેવાલો અનુસાર આ રાજ્યોમાં અત્યાર સુધીમાં 40 ટોર્નેડો આવી ચૂક્યા છે. શનિવાર અને રવિવારે એમ બે દિવસમાં વાવાઝોડાના કારણે 34 લોકોના મોત થયાં છે. મિસૌરીમાં સૌથી વધારે 12 મોત થયાં છે. વાવાઝોડાના કારણે 10 કરોડ અમેરિકન લોકો પ્રભાવિત થયાં છે. બે લાખ ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. કેન્સાસમાં ધૂળ ભરેલી આંધીના કારણે હાઈ-વે પર લગભગ 50 વાહનો એકબીજા સાથે ટકરાયા હતાં જેમાં આઠ લોકોના મોત થયાં હતાં. મિસિસિપીમાં છ લોકોના મોત થયાં હતાં અને ત્રણ લોકો લાપતા છે. આર્કાન્સાસમાં તો આંધીની ઝડપ કલાકના 265 કિમીની નોંધાઈ હતી. અને ઈમારતો અને માર્ગો તબાહ થઈ ગયાં છે. વાવાઝોડાના કારણે ઓકલાહોમામાં આગ લાગવાની 130થી વધુ ઘટના નોંધાઇ હતી જેના પગલે રાજ્યના કેટલાક હિસ્સાને ખાલી કરવાનો આદેશ અપાયો હતો.
ઓક્લાહોમામાં આગના કારણે લગભગ 300 ઘર નષ્ટ થઇ ગયાં છે. રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું કે રાજ્યમાં શનિવાર સુધીમાં 69 હેક્ટર વિસ્તાર સળગી ગયો છે. સ્ટેટ હાઇવે પેટ્રોલે જણાવ્યુ હતું કે હવા એટલી તેજ હતી કે તેના કારણે ઘણા ટ્રેક્ટર્સ અને ટ્રેલર્સ પલટી ગયા હતા.