વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી હિલેરી ક્લિન્ટ ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. જ્યારે, ચૂંટણીમાં ત્રણ ભારતીય અમેરિકન મહિલાઓ પ્રમિલા જયપાલ, કમલા હેરિસ અને લતિકા મેરી થોમસ પણ સંસદમાં પહોંચીને ઇતિહાસ રચવાની તૈયારી કરી રહી છે. હાલ અમેરિકન સંસદમાં બંને અગ્રણી પાર્ટીઓ તરફથી ૧૯ ટકા મહિલાઓ છે. કોસ્મોપોલિટન મેગેઝિને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ્ય અજમાવનારી મહિલાઓની યાદી પ્રસિદ્ધ કરી છે.
ચૂંટણી અભ્યાસ અનુસાર જયપાલ અને હેરિસની જીતવાની પ્રબળ સંભાવના છે. પ્રમિલા જયપાલ વોશિંગ્ટન અને લતિકા હેરિસ ફ્લોરિડાથી નીચલાગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે મેદાનમાં છે. કમલા હેરિસ કેલિફોર્નિયાથી સેનેટમાં પહોંચવાની તૈયારીમાં છે. જયપાલ અને કમલા ડેમોક્રેટિક અને લતિકા રિપબ્લિકન પાર્ટીમાંથી ભાગ્ય અજમાવી રહ્યાં છે. કેલિફોર્નિયાના એટર્ની હેરિસને રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સમર્થન પ્રાપ્ત છે. જો તેઓ જીતશે તો ૧૯૯૨માં કારુલ માસલે બાદ સેનેટમાં જનાર તેઓ પ્રથમ અશ્વેત અને ભારતીય મહિલા બનશે. જયપાલને વર્મોન્ટના સેનેટર બર્ની સેન્ડર્સે એન્ડોર્સ કરી છે.