વોશિંગ્ટનઃ અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કંપનીઓમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. પ્રથમ વાર અમેરિકાની ટોચની 125 એઆઇ ફર્મની યાદીમાં ભારતીયોની 35 કંપનીએ સ્થાન મેળવ્યું છે. આ કંપનીઓની નેટવર્થ 90 હજાર કરોડ રૂપિયા છે. લગભગ 18 હજાર સ્ટાર્ટ અપમાંથી 30 ટકા એટલે કે 5400 ભારતીયોનાં છે. અમેરિકાના બિઝનેસ અને ટેક્નોલોજી નિષ્ણાત સ્ટુઅર્ટ એન્ડરસનનું કહેવું છે કે આગામી પાંચ વર્ષમાં ટોપ-125 એઆઇ કંપનીઓમાં ભારતીય કંપનીઓની સંખ્યા 70થી વધુ હોઈ શકે છે.
‘ટાઇમ’ની યાદીમાં 9 ભારતીય
પ્રતિષ્ઠિત ટાઇમ મેગઝિનના એઆઇ ઇન્ફ્લુએન્સર લિસ્ટમાં પ્રથમ વાર 9 ભારતીયનો સમાવેશ કરાયો છે. તેમાં એનકોડ જસ્ટિસનાં સ્નેહા, કુરાઈ હેલ્થના નીલ ખોસલા, કાર્યના મનુ ચોપડા અને ટેક્સટાઇલ રેવોલ્યુશનનાં તુનિશા ગુપ્તાને સ્થાન અપાયું છે. ટાઇમનું કહેવું છે કે આ ઇન્ફ્લુએન્સર વિશ્વમાં શ્રેષ્ઠ પરિવર્તન લાવી રહ્યા છે. ભારતીય એઆઇ કંપનીઓ અમેરિકાની આર્થિક ઇકો સિસ્ટમને પણ મજબૂત કરી રહ્યાં છે.
એઆઇમાં 20 હજાર ભારતીયો
એઆઇ નોકરીઓમાં પણ અમેરિકામાં રહેતા ભારતીયોને જ પ્રાથમિકતા મળી રહી છે. ટોપ 125 એઆઇ કંપનીઓમાંથી 35 કંપનીમાં લગભગ 20 હજાર ભારતીય કામ કરી રહ્યા છે. ભારતીય ઉદ્યોગકાર રાજ નિર્વાનનની 50 બિલિયન રૂપિયાની નેટવર્થવાળી અલ્ફા સેન્સ કંપનીમાં 1200થી વધુ ભારતીય ટેક્ એક્સપર્ટ્સ કામ કરી રહ્યા છે.