અમેરિકાના ચૂંટણી મેદાનમાં વિવાદાસ્પદ નિવેદનો દ્વારા હંમેશા ચર્ચામાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, ભારતીયોને હાંકી ન કાઢો, અમેરિકાને તેમની જરૂર છે. અમેરિકી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીયોને દેશમાંથી હાંકી કાઢવા જોઇએ નહીં કારણ કે અમેરિકાને તેમના જેવા કાબેલ લોકોની જરૂર છે.
ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પને લિગલ ઇમિગ્રેશન પર મંતવ્ય અંગે સવાલ કરાતાં તેમણે જણાવ્યું હતું કે, આપણને પસંદ પડે કે ન પડે, પરંતુ તેઓ શિક્ષણ મેળવવા માટે નાણા ચૂકવે છે. અમેરિકા ઘણા લોકોને શિક્ષિત બનાવે છે. ઘણા હોંશિયાર લોકો અહીં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે છે. તેઓ દેશમાં કાયમી વસવાટ માટે આવતાં નથી. તેઓ હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. પોતાના વર્ગમાં હંમેશા અવ્વલ રહે છે. તેઓ ભારત પાછા ફરીને પોતાની કંપનીઓ સ્થાપી સંપત્તિના ઉપાર્જન સાથે સંખ્યાબંધ લોકોને રોજગાર પૂરો પાડે છે.