નવી દિલ્હીઃ અમેરિકામાં ૨૫ વર્ષના એક શીખ ડ્રાઇવર હરકીરતસિંહ પર મુસાફરે હુમલો કરીને તેની પાઘડી પણ ખેંચી નાંખી હતી. પોલીસે હેઇટ ક્રાઇમ માનીને તપાસ શરૂ કરી છે. એમ કહેવાય છે કે તમામ આરોપીઓ નશામાં હતા. હરકીરત પંજાબના ઇમિગ્રન્ટ છે અને એક વર્ષ પહેલાં જ અમેરિકા આવ્યા છે. ઘટના પછી તેમણે કહ્યું હતું કે, હુમલા બાદ હું ભયભીત છું. હવે હું અહીં કામ કરવા નથી ઇચ્છતો. આ તો મારા ધર્મ અને આસ્થાનું અપમાન છે.
પોલીસે હેઇટ ક્રાઇમ ગણાવ્યો
ન્યૂ યોર્ક પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાને હેઇટ ક્રાઇમ ગણીને તપાસ કરી રહી છે. શહેરના મેયર ડિ બ્લેસિયોએ હરકીરતની તરફેણમાં ટ્વિટ કરી કહ્યું છે કે હરકીરત તમારું અહીં સ્વાગત છે. તમારી સાથે જે થયું, તે ખોટું થયું છે. તમે ન્યૂ યોર્ક પોલીસને ફોન કરીને યોગ્ય પગલું ભર્યું છે.
હરકીરત સાથેની ઘટના
હરકીરતના જણાવ્યા પ્રમાણે ત્રણ પુરુષ અને એક મહિનાને મારી કેબમાં બેસાડયા હતા. તમામની વય ૨૦ વર્ષની આસપાસ હતી. સવારે પાંચ વાગ્યે તેમને મેડિસન સ્કેવર ગાર્ડનથી બ્રોક્સ લઇ ગયો ત્યાં પહોંચતા તેઓએ ખોટી જગ્યાએ લઇ આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એ તમામ નશામાં હતા. હરકીરતે ભાડુ માગ્યું તો તેઓ મીટરને તોડવાનો પ્રયાસ કરવા માડયા અને એક મારપીટ કરવા લાગ્યો. તેણે હરકીરતની પાઘડી પણ ખેંચી નાંખી. તેણે હરકીરતનો ફોન પણ છીનવી લીધો.