યુએસમાં ઘૂસણખોરી વધીઃ કેનેડા બોર્ડરે વિક્રમજનક 43 હજાર ભારતીયો પકડાયા

Tuesday 10th December 2024 11:32 EST
 

વોશિંગ્ટનઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા-અમેરિકા સરહદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ગેરકાયદે ઘૂસણખોરી વધી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડા અનુસાર 2024માં અત્યાર સુધીમાં આ સરહદે 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ 1,98,929 કેસના 22 ટકા છે.
વર્ષ 2022માં, 1,09,535 વ્યક્તિઓને કેનેડાથી અમેરિકા ગેરકાયદે ઘૂસતાં પકડવામાં આવ્યા હતા. જેમાં 16 ટકા ભારતીય હતા. જ્યારે, 2023માં 1,89,402 લોકોએ સરહદ ઓળંગવા પ્રયાસ કર્યો, જેમાંથી 30,010 ભારતીય નાગરિક હતા. આ એ સંખ્યા છે જે બોર્ડર ક્રોસ વખતે પકડાયા છે. તેમાં અમેરિકામાં પ્રવેશ કરનારા લોકોની સંખ્યા સામેલ નથી. કેનેડાના રસ્તે અમેરિકામાં પ્રવેશ કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મામલે લેટિન અમેરિકા અને કેરેબિયન બાદ ભારત બીજા સ્થાન પર છે.
ભારતીયો કેનેડાનો વિકલ્પ કેમ પસંદ કરે છે?
કેનેડાના રસ્તે અમેરિકા જવાના અનેક કારણો છે. વોશિંગ્ટનસ્થિત થિન્ક ટેન્ક, નિસ્કેનન સેન્ટરે કેનેડાની વધુ સરળ વિઝા પ્રક્રિયામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વૃદ્ધિને કારણ ગણાવ્યું છે. રિપોર્ટ અનુસાર કેનેડાના વિઝા માટે સરેરાશ સમય 76 દિવસનો હતો, જ્યારે અમેરિકા માટે લગભગ એક વર્ષ. તેની સાથે જ અમેરિકાની તુલનામાં કેનેડા માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા ખૂબ સરળ છે. ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મામલાના જાણકાર રસેલ સ્ટેમેટ્સ અનુસાર, આર્થિક સ્થિતિમાં સુધારાનાં સપનાંને સાકાર કરવા માટે ભારતીયો ખતરનાક જોખમ ઉઠાવવા માટે મજબૂર છે.
સરહદ લાંબી, સુરક્ષા ઓછી
અમેરિકા-કેનેડા સરહદની લંબાઇ (8,891 કિમી) છે. તે ઉપરાંત આ બોર્ડર પર સુરક્ષા પણ ઓછી છે. તેના કારણે તે ગેરકાયદે ઘૂસણખોરી માટે સરળ માર્ગ બન્યો છે. તેની તુલનામાં અમેરિકા-મેક્સિકો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત છે. સરહદ પર પેટ્રોલિંગ ગ્રૂપ મર્યાદિત છે, જેનાથી ઘૂસણખોરી રોકવી મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતો આ સમસ્યાના ઉકેલ માટે બંને દેશો વચ્ચે મજબૂત મોનિટરિંગ તેમજ સુરક્ષા સંચાલનની ભલામણ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter