વોશિંગ્ટનઃ યુએસમાં ડેમોક્રેટ્સે હિલેરી ક્લિન્ટનને પ્રમુખપદના વિધિવત્ ઉમેદવાર જાહેર કર્યા પછી ચૂંટણી પ્રચાર ફરી જોરશોરથી શરૂ થયો છે. બીજી તરફ, રિપબ્લિકનોએ પણ વિવાદાસ્પદ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે ક્લિન્ટન અને ટ્રમ્પ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. હિલેરી ક્લિન્ટન ઉપ પ્રમુખપદના દાવેદાર ટિમ કેન સાથે પેન્સિલવેનિયા અને ઓહાયોમાં ૩૧મી જુલાઈથી ત્રણ દિવસની ચૂંટણી અભિયાનમાં ક્લિન્ટને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ફક્ત નકારાત્મકતા છલકાય છે. ટ્રમ્પ કહે છે અમેરિકા નબળું છે. આપણે પાછા પડી રહ્યા છીએ, પરંતુ હું તમને દાવા સાથે કહું છું કે અમેરિકા સૌથી ઉજ્જવળ ભવિષ્ય ધરાવતો દેશ છે. મારો પ્રચાર સકારાત્મક ઊર્જા પર આધારિત છે.
બીજી તરફ, કોલોરાડોમાં આયોજિત એક ચૂંટણી સભામાં ટ્રમ્પે ક્લિન્ટન પર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, હવે હું હિલેરી ક્લિન્ટન સાથે લડવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેશન મેળવીને હિલેરી ક્લિન્ટને ઇતિહાસ રચ્યો છે. હિલેરી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરનારાં પ્રથમ મહિલા છે.