વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજારો ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા આકરાં પગલાં લીધા છે. આવા સમયે વિઝા નીતિમાં ફેરફારથી અમેરિકામાં H-1B વિઝાધારક માતા-પિતાના સંતાનો તરીકે કાયદેસર પ્રવેશ કરનારા 1.34 લાખથી વધુ ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રમ્પે સત્તા પર આવતા H-1B વિઝાધારકોની આશ્રિતવાળી જોગવાઈ ખતમ કરી નાંખી તેથી લાખો ભારતીયો પર માતા-પિતાથી વિખુટા પડવાનું જોખમ સર્જાયું છે. વધુમાં વિઝા નીતિમાં ફેરફારથી આશ્રિત સંતાનોને હવે વિઝા દરજ્જો બદલવા માટે બે વર્ષનો સમય પણ નહીં મળે આથી અમેરિકામાંથી તેમની હકાલપટ્ટીની આશંકા છે.
પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું અભિયાન ચલાવ્યું છે, જેના ભાગરૂપે તેમણે હજારો લોકોને અમેરિકામાંથી તગેડી મૂક્યા છે. વધુમાં મેક્સિકો સરહદે વધુ સૈન્ય તૈનાત કર્યું છે. ટ્રમ્પના આકરાં પગલાંના કારણે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓની ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે બદલાયેલી વિઝા નીતિના કારણે અમેરિકામાં સગીર તરીકે કાયદેસર પ્રવેશ કરનારા લાખો ભારતીયો પર હકાલપટ્ટીનું જોખમ સર્જાયું છે.
અમેરિકામાં એક લાખથી વધુ ભારતીયો એવા છે, જે બાળક અથવા સગીર તરીકે કાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા. આવા લોકોને H-4 વિઝા પર અમેરિકામાં રહેવાની તક મળતી હતી. વધુમાં H-1B વિઝાધારકોના સંતાનોનો અમેરિકામાં જન્મ થાય તો તેમને આપમેળે જ અમેરિકન નાગરિકત્વ મળી જતું હતું. જોકે ટ્રમ્પે સત્તા પર આવતાં જ વિદેશી માતા-પિતાના સંતાનોને અમેરિકન નાગરિકત્વ આપતી જોગવાઈ ખતમ કરી નાંખી છે. જેના પગલે સગીર તરીકે અમેરિકામાં પ્રવેશનારા અથવા વિદેશી માતા-પિતાના આ લોકોને 21 વર્ષના થયા પછી H-1B વિઝાધારક માતા-પિતા પર નિર્ભર સંતાનો જાહેર કરી શકાતા નથી.
અન્ય દેશોમાં સ્થળાંતરની તૈયારી
આ લોકોને અત્યાર સુધી તેમનો વિઝા દરજ્જો બદલવા માટે બે વર્ષનો સમય મળતો હતો. જોકે વિઝા નીતિમાં ફેરફારે તેમનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે, જેને પગલે અનેક લોકોએ કેનેડા, બ્રિટન જેવા દેશોમાં સ્થળાંતર કરવાની તૈયારી કરી છે. આ દેશોમાં વસવાટની નીતિઓ થોડી નરમ છે. અમેરિકન નાગરિક્તા અને પ્રવાસી સેવા વિભાગે તાજેતરમાં જ H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન સમયની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 7 માર્ચથી 24 માર્ચ સુધી જ ચાલશે. એક રિપોર્ટ મુજબ અમેરિકામાં 1.34 લાખથી વધુ ભારતીય સંતાનો 21 વર્ષની વય વટાવીને તેમના પરિવાર ગ્રીન કાર્ડ્સ મેળવે તે પહેલાં જ માતા-પિતા પર નિર્ભર હોવાનો વિઝા દરજ્જો ગુમાવે તેવી શક્યા છે.
ગ્રીન કાર્ડ અરજીમાં લાંબો બેકલોગ
અમેરિકન ઈમિગ્રેશન સિસ્ટમમાં ગ્રીન કાર્ડ માટેની અરજીઓનો બેકલોગ એટલો લાંબો છે કે કેટલીક અરજીઓનો વારો 12 વર્ષથી 100વર્ષ સુધીના સમયમાં આવી શકે છે. આવા સંજોગોમાં ટેક્સાસ કોર્ટે બાળક તરીકે અમેરિકા પ્રવેશેલા લોકો માટેના ડીએસીએ પ્રોગ્રામ હેઠળ નવા અરજદારો માટે વર્ક પરમીટ બ્લોક કરીને સ્થિતિ વધુ જટીલ બનાવી દીધી છે. ડીએસીએ કાર્યક્રમ અરજદારોને અમેરિકામાંથી હકાલપટ્ટીથી બચવા કામચલાઉ રીતે વિઝા દરજ્જો બદલવા બે વર્ષનો સમય આપતો હતો. જોકે, હવે આ કાર્યક્રમની ગેરહાજરીમાં લાખો ભારતીયોનું ભાવી જોખમમાં મુકાઈ ગયું છે.