વોશિંગ્ટન: યુએસના કેન્સાસમાં વંશીય ભેદભાવની ઘટનામાં ૩૨ વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યાનો બનાવ વિચલિત કરી દેનારો હોવાનું ૨૮મી ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. ઓથાલે શહેરનાં એક બારમાં વંશીય ટિપ્પણી કરીને ‘ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી’ કહીને નશામાં શ્રીનિવાસની હત્યા કરાઈ હતી. વ્હાઇટ હાઉસે આ સાથે અન્ય વંશીય ઘટનાઓને પણ વખોડી નાંખી હતી. કેન્સાસ ઘટનાના શંકાસ્પદ આરોપી અને નેવીના ૫૧ વર્ષીય નિવૃત્ત સૈનિક આદમ પુહિન્ટને તાજેતરમાં કોર્ટમાં રજૂ કરાયો હતો એ પછી વ્હાઇટ હાઉસના પ્રવકતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેન્સાસમાંથી આવેલા હુમલાના અહેવાલ વિચલિત કરી દેનારા છે.
આ ઘટનામાં શ્રીનિવાસના મિત્ર આલોક મદસાની અને વચ્ચે પડનારા એક અમેરિકન ઇયાન ગ્રિલોટને પણ ઇજા થઈ હતી. વ્હાઇટ હાઉસે વધુ જણાવ્યું હતું કે, અમેરિકામાં દરેકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને કોઈએ ભયભીત થઈને રહેવાની જરૂર નથી.
આ રાષ્ટ્રીય સિદ્ધાંત છે અને અમેરિકા તેનું પાલન કરે છે. દરમિયાન કેન્સાસ હુમલાના શંકાસ્પદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેની ઉપર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ હતો. આ આરોપ હેઠળ તેને ૫૦ વર્ષની સજા થઇ શકે છે.
ભારતીય એન્જિનિયરની હત્યાના વિરોધમાં દેખાવો
ઉલ્લેખનીય છે કે કેન્સાસમાં ૨૭મી ફેબ્રુઆરીએ શ્રીનિવાસની હત્યાને વખોડતાં શાંતિ કૂચ અને પ્રાર્થનાસભાનું પણ આયોજન થયું હતું. તે સમયે લોકોએ શ્રીનિવાસની હત્યાની નિંદા કરી હતી. ‘વી વોન્ટ પીસ’ લખેલા બેનર્સ સાથે લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
૨૨ ફેબ્રુઆરીએ રાતે શ્રીનિવાસ અને તેનો મિત્ર આલોક ફરવા નીકળ્યા ત્યારે તેની ગોળી મારીને હત્યા થઇ હતી. દેખાવકારોએ ‘યુનિટી ઇઝ પાર્ટ ઓફ કમ્યુનિટિ’ અને ‘ટુગેધર વી સ્ડેન્ડ, ડિવાઇડેડ વી ફોલ’ જેવા સૂત્રો પણ પોકાર્યા હતા. શાંતિકૂચમાં શ્રીનિવાસના મિત્ર આલોક મદસાની પણ જોડાયા હતા. ૨૨ ફેબ્રુઆરીએ ગોળીબારમાં ઘાયલ આલોક અને અમેરિકન ઇયાન ગ્રિલટના બહેન પણ કૂચમાં સામેલ થયા હતા. કેન્સાસના લેફ્ટનન્ટ ગવર્નર જેફ કોલર, સાસંદ કેવિન યોર્ડર , પોલીસ વડા સ્ટીવન મેન્કે સહિતના અધિકારીઓ પણ શાંતિકૂચમાં જોડાયા હતા.
જીવ જોખમમાં મૂક્યાનો અફસોસ નથીઃ ઇયાન
કેન્સાસ ગોળીબાર વખતે બચાવ માટે વચ્ચે પડેલા અમેરિકી નાગરિક ઇયાન ગ્રિલટે કહ્યું હતું કે, તે સમયે જીવ જોખમમાં મૂકવાનો મને અફસોસ નથી. આજે હું ખુશ છું. જીવના જોખમે અનેક જીવન બચ્યા છે. હાલમાં ઈયાનની સારવાર ચાલી રહી છે.
ધિક્કારના રાજકારણને સમર્થન નહીં
અંજલિ આપવા યોજાયેલી શાંતિકૂચ અને પ્રાર્થનાસભામાં સેંકડો લોકો ઊમટી પડયા હતા. કોઇના હાથમાં મીણબત્તી હતી તો કોઇના હાથમાં પ્લેકાર્ડ. કેટલાક પ્લેકાર્ડ પર એવું પણ લખેલું હતું કે ધિક્કારના રાજકારણને અમારું સમર્થન નથી. શ્રીનિવાસના મિત્રોએ શ્રીનિવાસને યાદ કર્યો હતો. આ ઘટનાને પગલે અમેરિકામાં વસી રહેલા ભારતીય સમુદાયમાં પણ થોડી ભયની લાગણી પ્રવર્તી રહી છે.
મારા પતિની હત્યાનો જવાબ આપો: સુનયના
કેન્સાસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રીનિવાસનાં પત્ની સુનયનાએ ટ્રમ્પ સરકારને કહ્યું હતું કે, મારા પતિની હત્યાનો ટ્રમ્પ સરકાર જવાબ આપે. મારે ટ્રમ્પ સરકાર પાસેથી જવાબ જોઈએ છે કે તેઓ યુએસએમાં હેટ ક્રાઈમ રોકવા કયા પગલાં લેવા જઈ રહી છે? મૃતક શ્રીનિવાસની કંપની ગાર્મિને આ પ્રેસ મીટ યોજી હતી. સુનયનાએ કહ્યું હતું કે, હું અમેરિકાની સરકારને પૂછવા માગું છું કે શું અમારે હવે અહીંયા રહેવું જોઈએ? હું મારા પતિ માટે નહીં પણ તમામ વર્ગનાં લોકો કે જેમણે વંશીય હિંસામાં તેમનાં સ્વજન ગુમાવ્યા છે તેવા એશિયન, આફ્રિકન અને અમેરિકન લોકોને પુછવા માગું છું કે, નફરત અને વંશીય ભેદભાવના લીધે થયેલી આ હત્યા અને હિંસાને રોકવા માટે શું કરવા જઈ રહી છે?વંશીય હિંસામાં ૧૧૫ ટકાનો વધારો
ન્યૂ યોર્ક પોલીસ વિભાગનાં જણાવ્યા મુજબ ટ્રમ્પનાં વિજય પછી વંશીય હિંસામાં ૧૧૫ ટકાનો વધારો થયો છે. તેમનાં વિજયના ૧૦ દિવસમાં જ હેટ ક્રાઈમનાં ૮૬૭ કેસ નોંધાયા છે. ગયા વર્ષે ૪૦૦ હેટ ક્રાઈમ તો આ વર્ષે પહેલા બે મહિનામાં જ ૧૭૫ કેસો નોંધાયા છે.