વોશિંગ્ટનઃ અમેરિકામાં હવે એક મહિનામાં નવા પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતવંશી ડોક્ટરોના એક સંગઠને અમેરિકાના આગામી તંત્ર સમક્ષ ઈમિગ્રેશન અને હેલ્થકેર સર્વિસમાં સુધારાને પ્રાથમિકતા આપવાની સાથે ભારતમાંથી આવેલા ડોક્ટરો માટે ગ્રીનકાર્ડ પ્રક્રિયામાં ઝડપ લાવવાનું આહવાન કર્યું છે. નોંધનીય છે કે હાલ અમેરિકામાં દરેક સાતમા દર્દીની દેખભાળ અને સારવાર ભારતીય ડોક્ટરો કરી રહ્યા છે તેમ છતાં તેઓને અમેરિકાનું ગ્રીનકાર્ડ આપવાની કામગીરી ખુબ ધીમી ગતિએ ચાલી રહી છે.
અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (એએપીઆઈ - ‘આપી’) અધ્યક્ષ ડો. સતીશ કથુલાએ જણાવ્યું હતું કે તમામ લોકો સુધી હેલ્થ સર્વિસની પહોંચ, ઈમિગ્રેશન અને વિઝાના મુદ્દા, ચિકિત્સામાં ટેકનોલોજી, વિવિધતા તથા ભેદભાવવિરોધી એવા કેટલાક મુદ્દા છે કે જેના પર આગામી વ્હાઇટ હાઉસ તંત્રે ધ્યાન આપવું જોઈએ. 1.20 લાખથી વધારે ડોક્ટરોના હિતોનું પ્રતિનિધિત્વ કરતાં આ સંગઠનના વડા કથુલાએ જણાવ્યું હતું કે અમેરિકામાં એવા ઘણા ડોક્ટરો છે કે જેઓ 15-20 વર્ષ કરતાં પણ વધારે સમયથી અમેરિકામાં વસી રહ્યા છે તેમ છતાં હજુ પણ એચ-1બી વિઝા પર કામ કરી રહ્યા છે.
કેટલાક શહેરો માત્ર ભારતીય ડોક્ટરો પર નિર્ભર
અમેરિકામાં એચ-1બી વિઝા પર હજારો ડોક્ટરો કામ કરી રહ્યા છે અને તેઓ એવા સ્થાન પર કામ કરી રહ્યા છે કે જ્યાં સ્થાનિક ડોક્ટરો જવા માંગતાં નથી. ડો. કથુલા કહે છે કે જો આ ડોક્ટરો ભારત જતા રહેશે તો કેટલાક શહેરોમાં તો સંપૂર્ણ હેલ્થ સિસ્ટમ પડી ભાંગે તેવી પરિસ્થિતિ છે. તેને કારણે પણ ગ્રીનકાર્ડ પ્રોસેસમાં ઝડપ લાવવી જરૂરી છે. આગામી પ્રેસિડેન્ટ તરીકે જે પણ સત્તા સંભાળે તેણે આ બાબતને પ્રાથમિકતા આપવી જોઇએ.