ન્યૂ યોર્કઃ અમેરિકામાં ભારતીય હેજ ફંડ મેનેજર સંજય વાલવાણી પર ઈન્સાઈડર ટ્રેડિંગનો આરોપ મૂકાયો છે. વાલવાણીએ એક અમેરિકી કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે ફાર્મા સ્ટોક્સમાં ગેરકાનૂની રીતે ૩.૨ કરોડ ડોલરનો નફો કર્યો હતો. તેણે હેલ્થ કેર સિક્યુરિટીઝમાં નાણા રોક્યા હતા. આ ટીપ્સ તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કર્મચારી ગોર્ડન જ્હોન્સ્ટન પાસેથી ગુપ્ત રીતે મળી હતી.
વાલવાણી અને જ્હોન્સ્ટન સામે ન્યૂ યોર્કની કોર્ટમાં ગેરરીતિનો આરોપ મૂકાયો હતો. વાલવાણીને સિક્યુરિટી ફ્રોડ સહિતના વિવિધ ગુના માટે પાંચ કાઉન્ટમાં દોષિત ઠરાવાયો હતો. વાલવાણીને આ કેસમાં ૫૦ લાખ ડોલરનો દંડ થઈ શકે છે.
સિક્યુરિટી એક્સચેન્જ કમિશને આરોપ મૂક્યો હતો કે જ્હોન્સ્ટને એફડીએ મંજૂરીની ગુપ્ત માહિતી વાલવાણીને પહોંચાડી હતી. વાલવાણીએ દવાની મંજૂરીની સત્તાવાર જાહેરાત થાય તે અગાઉ ફાર્મા કંપનીઓમાં નાણા રોકીને નફો કર્યો હતો. વાલવાણીએ દવાને મંજૂરીની ગુપ્ત માહિતી અગાઉથી મેળવીને તેનો લાભ લઈ નાણાનું રોકાણ કર્યું હતું.