અમદાવાદઃ અમેરિકામાં વસતા વધુ એક ગુજરાતી બિઝનેસમેન હુમલાનો ભોગ બન્યા છે. દિનેશ પટેલ નામના આ બિઝનેસમેન પર ચોથી ડિસેમ્બરે લૂંટના ઇરાદે અશ્વેત યુવકે છરી વડે હુમલો કર્યો હતો. નોર્થ કેરોલિના સ્ટેટના ગ્રીનવીલેમાં દિનેશ પટેલ બૂલેવાર્ડ સબવે ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં ધરાવે છે. રવિવારની રાતની હુમલાની આ ઘટના બાદ મંગળવારે ૫૨ વર્ષના દિનેશ પટેલની હાલત નાજુક હોવાનું વેદાંત મેડિકલ સેન્ટરના હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. હુમલાખોર અશ્વેત યુવક કેલી પેગી (ઉં.૩૦)ને ઝડપી લેવાયો છે. તેણે એવું બયાન આપ્યું હતું કે લૂંટ દરમિયાન રેસ્ટોરાં માલિકે સામનો કરવા પ્રયાસ કર્યો હતો.
લૂંટારાએ રેસ્ટોરાંમાં હાજર મહિલા કર્મચારીને છરીની અણીએ બાનમાં લઇને પૈસા માગ્યા હતા. રેસ્ટોરાં માલિકે દરમિયાનગીરી કરવા પ્રયાસ કરતા હુમલાખોરે નાસી જતાં પહેલાં તેમને છરીના ઘા ઝીંકી દીધા હતા. ફસડાઇ પડેલા દિનેશભાઇને વેદાંત મેડિકલ સેન્ટરમાં લઇ જવાયા હતા. સીસીટીવી ફૂટેજ સહિતની તપાસના આધારે હુમલાખોર કેલી પેગીની ઓળખ થઇ હતી અને સોમવારે જ તેને ઝડપી લેવાયો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા પેગીએ એવું બયાન આપ્યું હતું કે રેસ્ટોરાં માલિકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.