ફ્લોરિડાઃ અમેરિકામાં ૧૩૧ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૮૭૦ કરોડ)ના ચકચારી શેર કૌભાંડમાં ગુજરાતી શેરબ્રોકર પ્રણવ પટેલ સામે ગુનો દાખલ કરાયો છે. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના ‘વોર ઓન ફાયનાન્સિયલ ક્રાઇમ્સ’ માટે ઊભી કરાયેલી ફાયનાન્શિયલ ફ્રોડ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની તપાસ બાદ પ્રણવ પટેલ સામે કાનૂની કાર્યવાહી થઈ છે. સરકારી વકીલ રોબર્ટ કેપર્સે જણાવ્યું હતું કે, ફ્લોરિડાના ટેમરાકના ૩૫ વર્ષીય પ્રણવ પટેલે અમેરિકાના ૪ સ્ટેટના અન્ય ૮ સહઆરોપીઓ સાથે મળીને આ મલ્ટિસ્ટેટ કૌભાંડ આચર્યું હતું. તેમની સામે સિક્યુરિટીઝ ફ્રોડ, કોન્સ્પિરસી, વાયર ફ્રોડ, મની લોન્ડરિંગ તથા ખોટા નિવેદનો આપવાના ગુના દાખલ કરાયા છે.
શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો
આરોપીઓ નાસ્ડેકમાં લિસ્ટેડ ફોર્સફિલ્ડ એનર્જી ઇન્ક. નામની કંપનીના કોઇ કામકાજ વિના જ કંપનીના શેરના ભાવ કૃત્રિમ ઉછાળા સાથે ખૂબ ઊંચા લઇ ગયા હતા. ફોર્સફિલ્ડ એનર્જી ઇન્ક.ને ઓન પેપર LED લાઇટિંગ પ્રોડક્ટ્સની વર્લ્ડ-વાઇડ ડિસ્ટ્રિબ્યુટર દર્શાવાઈ હતી. પ્રણવ સામે ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલની ફેડરલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
સરકારી વકીલ રોબર્ટ કેપર્સે આ કેસ અંગે તાજેતરમાં કહ્યું હતું કે, ફોર્સફિલ્ડના એક અધિકારીએ વર્ષ ૨૦૧૪માં પ્રણવના તથા અન્ય ૪ શેરબ્રોકર્સના વિદેશના બેન્ક એકાઉન્ટ્સમાં કટકીના નાણા જમા કરાવવા એક ફાયનાન્શિયલ ફર્મના મેનેજિંગ પાર્ટનર જેરેડ મિશેલની મદદ લીધી હતી. તેના બદલામાં પ્રણવ સહિત પાંચેય શેરબ્રોકર્સે કંપનીના શેર મોટા પાયે ખરીદ્યા હતા, જેનાથી કંપનીના શેરના ભાવમાં જબરદસ્ત કૃત્રિમ ઉછાળો નોંધાયો હતો. આ કૌભાંડમાં ગત વર્ષે એપ્રિલમાં ફોર્સફિલ્ડના ચેરમેન અને ફાઉન્ડર રિચાર્ડ સેન્ટ જુલિયેનની પણ ધરપકડ કરાઇ હતી.