વોશિંગ્ટનઃ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં વહીવટીતંત્રે મોટા બિઝનેસ ગૃહો અને નાના કરદાતાઓને રાહત આપતાં નાટયાત્મક રીતે કરવેરા ઘટાડાની દરખાસ્ત મૂકી છે. ટ્રેઝરી સેક્રેટરી સ્ટિવ મ્નુચિને દરખાસ્તની રૂપરેખા જાહેર કરતાં મધ્યવર્ગને વેરાકીય રાહતો આપીને ચૂંટણી વચન પૂરું કરવા પ્રયાસ કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા વેરાકીય સુધારાની આપવામાં આવેલી રૂપરેખા મુજબ નાના બિઝનેસમેન માટેના ટોચના વેરાકીય દર ૩૯.૬ ટકાથી ઘટીને ૧૫ ટકા કરાશે. વ્યક્તિગત કરવેરાના ટોચના દર ૩૯.૬ ટકાથી ઘટીને ૩૦.૫ ટકા કરવાની દરખાસ્ત છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટીને ૧૫ ટકા થશે. ઉદ્યોગ રોકાણકારોને આકર્ષવા આ પગલું લેવામાં આવ્યું છે. કરવેરા સુધારા બની રહેશે.
કરવેરા રાહતોને પગલે અમેરિકી તિજોરીની આવકમાં ૬૦૦ અબજ ડોલરનો ઘટાડો થવાની સંભાવના છે. આ રકમ અમેરિકી અર્થતંત્રના ચાર ટકા બરોબર થવા જાય છે. કરવેરા રાહતોનું કદ રોનાલ્ડ રેગને ૧૯૮૧માં આપેલા ટેક્સ પેકેજ કરતાં પણ વધી જાય છે. વ્હાઇટ હાઉસની ટેક્સ દરખાસ્તમાં બજેટ કટનો સમાવેશ થતો નથી. વેરાકીય કાપ સાથે જ બજેટ કાપ સંકળાયો છે. આ દરખાસ્તને કારણે દેશની નાણાકીય ખાધ વધે નહીં તે માટે બજેટ કાપ પણ આવશ્યક બની જ રહે છે.