ફિલાડેલ્ફિયાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેશન મેળવીને હિલેરી ક્લિન્ટને ઇતિહાસ રચ્યો છે. હિલેરી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિશાળ પક્ષનું નેતૃત્વ કરનારાં પ્રથમ મહિલા બન્યાં છે. ડેમોક્રિટેક પાર્ટીના ૪,૭૬૪ ડેલિગેટ્સમાંથી મોટા ભાગના ડેલિગેટ્સે હિલેરીને સમર્થન આપ્યા પછી ફિલાડેલ્ફિયામાં યોજાયેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં હિલેરીને પક્ષની ઉમેદવારી મળી ગઈ છે.
અમેરિકામાં ૧૭૮૯માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની શરૂઆત થઈ છે ત્યારથી બે જ મુખ્ય રાજકીય પક્ષ મેદાનમાં રહ્યા છે. તે જ પ્રમાણે આ વખતે પણ ડેમોક્રેટ અને રિપબ્લિકન ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાશે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ અગાઉ જ જાહેર થઇ ચૂક્યું છે. અમેરિકામાં આગામી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યોજાવાની છે. જો હિલેરી જીતશે તો આવતા વર્ષે ૨૦મી જાન્યુઆરીએ તેઓ બરાક ઓબામાનું સ્થાન લેશે.
૨૨૭ વર્ષ બાદ પ્રથમ મહિલા ઉમેદવાર
૬૮ વર્ષના હિલેરી ક્લિન્ટનને ફિલાડેલ્ફિયામાં યોજાયેલા ડેમોક્રેટ્સના નેશલન કન્વેન્શન દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરાયા છે. તેઓ અમેરિકાના ૨૨૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા છે, જે અહીં સુધી પહોંચ્યા છે. આ પહેલાં ૨૦૦ મહિલાઓએ પણ ઉમેદવાર બનવા માટે પ્રયાસ કર્યાં હતા, પરંતુ કોઈ પણ સફળ નહોતા થયાં.
રાષ્ટ્રપતિ પદ અને મહિલાઓ
૧૭૮૯થી અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાય છે. ત્યારથી અત્યાર સુધી કોઈ પણ મહિલા ઉમેદવાર પસંદગી પામ્યા નથી. અત્યાર સુધી ૨૦૦ મહિલાઓ રાષ્ટ્રપતિ બનવા માટે પ્રયાસ કરી ચૂક્યા છે. અમેરિકામાં ૧૯૨૦ના ૧૯મા સંશોધન બાદ મહિલાઓને મત આપવાનો અધિકાર અપવામાં આવ્યો છે.
હવે શું થશે?
હવે ચૂંટણી પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થશે, જેમાં ઉમેદવાર મતદાતાઓનું સમર્થન મેળવશે. ઉમેદવારો વચ્ચે ટેલિવિઝન પર અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. રાજ્યોના મતદાતાઓ ઇલેક્ટર પસંદ કરશે જે રાષ્ટ્રપતિ પદ માટે કોઈને કોઈ ઉમેદવારનો સમર્થક હશે. તમામ ઇલેકટર એક ઇલેક્ટોરલ કોલેજ બનાવશે. જેમાં ૫૩૮ સભ્ય હોય છે. ઇલેક્ટર પસંદ કરવાની સાથે જ સામાન્ય જનતા માટે ચૂંટણી સમાપ્ત થઈ જશે. ચૂંટણીની અંતિમ પ્રક્રિયામાં ઇલેક્ટરોલ કોલેજ રાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરશે. રાષ્ટ્રપતિ બનવા માટે ૫૩૮માંથી ઓછામાં ઓછા ૨૭૦ ઇલેક્ટોરલ વોટ જરૂરી છે.
જો ટાઈ થાય તો?
ઉમેદવારો વચ્ચે ટાઈ થાય તો રાષ્ટ્રપતિ પદનો નિર્ણય સંસદના નીચલું ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કરે છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ટાઇ થાય તો અંતિમ નિર્ણય ઉપલું સદન સેનેટ કરે છે.
કેટલો ખર્ચ થાય છે?
પ્રાથમિર અંદાજ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આશરે એક બિલિયન અમેરિકી ડોલર (૯૭ અબજ રૂપિયા)નો ખર્ચ થાય છે. જોકે અમેરિકામાં ઉમેદવારે ખર્ચ કરવાની વિગતો આપવાની રહેતી નથી. અહીં ઉમેદવાર ચૂંટણી માટે ફંડ મેળવવા દાન લેવા માટે સ્વતંત્ર હોય છે.
વોટિંગ ક્યારે થાય છે?
અમેરિકામાં ઇલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી વર્ષ નવેમ્બરના પહેલા મંગળવારે મતદાન કરે છે.
કઇ પાર્ટીના કેટલા રાષ્ટ્રપતિ?
૩૦મી એપ્રિલ, ૧૭૮૯ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન હતા. તેમને સર્વસંમતિથી આ પદ માટે પસંદ કરાયા હતા. તેમના પહેલા કોન્ટીનેન્ટલ આર્મીના કમાન્ડર ઇન ચીફ કામકાજ સંભાળતા હતા. અત્યાર સુધીમાં ડેમોક્રેટના ૧૬, રિપબ્લિક્નના ૧૮, વ્હીગના ૪, ફેડરલિસ્ટના ૧, ડેમોક્રેટ-રિપબ્લિકનના ૪ અને ૧ સ્વતંત્ર રાષ્ટ્રપતિ અમેરિકાનું સુકાન સંભાળી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિ પદ સાથે જોડાયેલી ખાસ વાતો
બરાક ઓબામા રાષ્ટ્રપતિ બનનારા અમેરિકાના ૪૪મા વ્યક્તિ છે. આઠમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદના ૪૫મા વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. ૧૯૩૩થી ૧૯૪૫ સુધી ફ્રેન્કલીન ડી રુઝવેલ્ટ અમેરિકાના પ્રથમ એવા રાષ્ટ્રપતિ હતા, જેઓએ ચાર ટર્મ સુધી હોદ્દો સંભાળ્યો હતો. ચોથા કાર્યકાળ દરમિયાન તેમનું નિધન થયું હતું. ૧૮૪૧માં ફક્ત ૩૨ દિવસ સુધી રાષ્ટ્રપતિ રહેલા વિલિયમ હેન્રીનો કાર્યકાળ સૌથી ટૂંકો હતો. ૧૯૫૧ના ૨૨મા સંશોધન બાદ અમેરિકામાં કોઈ વ્યક્તિ બે મુદતથી વધારે વખત રાષ્ટ્રપતિ પદે રહી શકતી નથી. અમેરિકાના ૧૫ રાષ્ટ્રપતિઓએ આઠ વર્ષ અથવા તેના કારતાં વધુ પદ સંભાળ્યું છે.
ચાર રાષ્ટ્રપતિ વિલિયમ હેન્રી હેરિસન, જેફ્રી ટેલર, વોરેન જી. હોર્ડિંગ અને ફ્રેંકલિન ડી. રુઝવેલ્ટના મોત કાર્યકાળ દમિયાન થયા હતા. ચાર રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, જેમ્સ એ. ગારફિલ્ડ, વિલિયમ મેકિનલે અને જ્હોન એફ. કેનેડીની હત્યા કરાઇ હતી.