વોશિંગ્ટનઃ દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ પછી અમેરિકાસ્થિત નિષ્ણાતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સમરકંદ-બુખારા ઓવારી ગયા છે. અમેરિકન રાજકાજ સાથે સંકળાયેલા અનેક રાજકીય અને સામાજિક નિષ્ણાતોએ વડા પ્રધાન મોદીને 'મેન ઓફ એક્શન' ગણાવીને તેમના વખાણ કર્યા છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પ્રાઇઝ- સાઉથ એશિયા પ્રોગ્રામના મિલન વૈષ્ણવે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સ્પષ્ટ જીત થઈ છે. આ વાતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, લોકો નોટબંધી વિશે શું વિચારે છે.
લોકો પણ મોદીને 'મેન ઓફ એક્શન' ગણે છે. હવે કોંગ્રેસ પાસે પંજાબ સિવાય કોઇ જ આશ્વાસન લેવા જેવું રહ્યું નથી. હવે કોંગ્રેસ પાસે કર્ણાટક અને પંજાબ સિવાય કોઇ મોટા રાજ્યમાં શાસન રહ્યું નથી. ઉત્તર પ્રદેશના પરિણામો માયાવતી માટે પણ અત્યંત ચોંકાવનારા છે. હવે તેમના અસ્તિત્વનો પ્રશ્ન આવી ગયો છે.
વૈષ્ણવ 'વ્હેન ક્રાઇમ પેઝ: મની એન્ડ મસલ ઇન ઇન્ડિયન પોલિટિક્સ' નામના જાણીતા પુસ્તકના લેખક છે. એવી જ રીતે, સિલિકોન વેલી સ્થિત ગ્લોબલ ઇન્ડિયન ટેક્નોલોજી પ્રોફેશનલ્સ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક ખાંડેરાવ કંદે કહ્યું હતું કે, આ જીતથી ભાજપનો રાજ્યસભાનો રસ્તો સાફ થયો છે. એટલું જ નહીં, લોકસભા અને રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતીને પગલે ભારતના વિકાસનો અને આર્થિક સુધારાનો માર્ગ પણ મોકળો થયો છે.
અમેરિકન ઇન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રેસિડેન્ટ જગદીશ સેવહાનીએ કહ્યું હતું કે, મોદીનો જાદુ ફરી એકવાર ચાલ્યો છે. વડા પ્રધાનની નીતિઓ ગરીબો અને ખેડૂતો તરફી રહી છે, જેનો તેઓ સફળતાપૂર્વક પ્રચાર પણ કરી શક્યા છે. આ કારણસર તેમને ઉત્તર પ્રદેશમાં જીત મળી છે. આ જીતે નોટબંધીનો પણ જવાબ આપી દીધો છે. આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે, લોકોને હજુયે તેમનામાં વિશ્વાસ છે.