મુંબઇઃ વાત છે નેવુંના દાયકાની. જ્યારે ટાટા સન્સના ચેરમેન રહેલા રતન ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા મોટર્સે પહેલી કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી હતી. જોકે ત્યારે ટાટાની કારનું વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. તેમાં સતત ખોટ બાદ ટાટા મોટર્સે પેસેન્જર કાર ડિવિઝનને વેચવાનો નિર્ણય લીધો હતો અને આ માટે અમેરિકાની અગ્રણી કાર ઉત્પાદક કંપની ફોર્ડ મોટર્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે રતન ટાટાની મજાક ઉડાવતા કહ્યું હતું કે તમે આ ક્ષેત્રે કંઇ જ જાણતા નથી, તમે શા માટે પેસેન્જર કાર ડિવિઝન શરૂ કર્યું? જો હું આ ડીલ કરું છું તો તે તમારા ઉપર મોટો ઉપકાર ગણાશે.
આ સમયે રતન ટાટા અપમાનનો ઘૂંટડો ગળી ગયા હતા અને શાંત રહ્યા. કોઇની સાથે તેણે અપમાનની વાત ન કરી. ત્યારબાદ સમગ્ર ધ્યાન કંપનીના કાર ડિવિઝનને બુલંદી ૫૨ પહોંચાડવામાં લગાડ્યું હતું. તેમની મહેનત રંગ લાવી અને અંદાજે નવ વર્ષ બાદ 2008માં ટાટા મોટર્સ સમગ્ર દુનિયાના માર્કેટમાં છવાઇ હતી અને કંપનીની કાર બેસ્ટ સેલિંગ કેટેગરીમાં ટોચ પર પહોંચી. સમયનું ચક્ર ફર્યું છે અને હવે ટાટા ગ્રૂપે સાણંદ સ્થિત ફોર્ડની માલિકીનો કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ટેઇકઓવર કર્યો છે.