લોસ એન્જલસઃ હોલિવૂડ સિતારાઓની નગરી તરીકે જાણીતા લોસ એન્જલસથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા સિલામર લેક પર નજર ફેરવશો તો તમને તેની સપાટી પર કાળી ચાદર છવાયેલી જોવા મળશે. પહેલી નજરે તો કોઇને પણ એવું લાગે કે આ તો કચરો છે, પરંતુ એવું નથી. ખરેખર તો આ ખાસ પ્રકારના રબ્બરના બોલ છે, જે લાખોની સંખ્યામાં પાણીમાં તરતા મુકવામાં આવ્યા છે. ૭૦ હેકટરમાં ફેલાયેલા જળાશયમાં આવા ૯૬૦ લાખ તરતા મૂકાયા છે. પાણી બચાવો અભિયાનના ભાગરૂપે આ બોલ તરતા મૂકાયા છે.
કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક સમયથી હવામાન પલટાઇ રહ્યું છે. અગાઉ તો બરફની શીલાઓ પિગળવાથી પાણી મળી રહેતું હતું, પરંતુ હવે પહેલા જેવો બરફ પડતો નથી આથી ગરમીની સાથે પાણીની તંગી પણ વધી રહી છે. પરિણામે જળાશયો ખાલી થઇ રહ્યા છે. અમેરિકાના ખૂબસુરત શહેર લોસ એન્જલેસમાં પણ પાણીની વિકટ પરિસ્થિતિ ભવિષ્યમાં વધુ ગંભીર ના બને તે માટે પ્રયાસો થઇ રહયા છે. આ મોટા લાગતા આ કાળા બોલ અંદરથી પોલા છે.
પાણી પર પડતા તેના પડછાયાના કારણે પાણીનું બાષ્પીભવન થતું અટકે છે. તદુપરાંત તેનાથી પાણીમાં થતી રાસાયણિક પ્રક્રિયા અટકી જાય છે. પાણીમાં રહેલું કુદરતી બ્રોમાઇડ સૂર્યના કિરણો પડવાથી બ્રોમેટમાં ફેરવાઇ જાય છે. તેની સામે ખાસ પ્રકારના શેડ બોલ તડકાને શોષી લે છે. આ ઉપરાંત જળાશયમાં બેકટેરિયા મારવા માટે કલોરિન પણ નાખવામાં આવે છે.
આ કાળા બોલ જળાશયમાં નાખવાના એક પ્રસંગમાં લોસ એન્જેલસના મેયરે પણ હાજરી આપી હતી. તેમણે કહેલું કે ‘આપણે ઐતિહાસિક દુષ્કાળનો સામનો કરી રહયા છીએ ત્યારે પાણી બચાવવા માટે આવા સાહસિક વિચારોની તાતી જરૂરીયાત છે.’ આ બોલ પ્રોજેકટ પાછળ ૩.૫ કરોડ ડોલરનો ખર્ચ થયો છે, પરંતુ આનાથી વર્ષે ૩૦ કરોડ ડોલર મૂલ્યના પાણીનું બાષ્પીભવન થતું અટકશે. હાલમાં પાણીની તંગીના લીધે લોસ એન્જલસે પાણીની વપરાશમાં ૧૩ ટકા ઘટાડો કર્યો છે.