વોશિંગ્ટનઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8થી 10 સપ્ટેમ્બર અમેરિકાની મુલાકાત લેશે. આ દરમિયાન તે વોશિંગ્ટન ડીસી, ડલ્લાસ અને ટેક્સાસ યુનિવર્સિટીની મુલાકાત લેશે.
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઇઓસી)ના વડા સામ પિત્રોડાએ રાહુલના અમેરિકાના પ્રવાસની વિગતો શેર કરી છે. લોકસભા ચૂંટણી પછી વિરોધ પક્ષના નેતા બન્યા પછી તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે.
પિત્રોડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા પછી 32 દેશોનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રતિનિધિ હોવાના નાતે મને ભારતીય વર્તુળો, ડિપ્લોમેટ્સ, એકેડેમિશિયન્સ, કારોબારીઓ, આગેવાનો, આંતરરાષ્ટ્રીય પ્રસારમાધ્યમો અને બીજા લોકો તરફથી તેમની સાથે સંવાદ સાધવાની ઘણી બધી વિનંતી મળી છે.
તેમણે ઉમેર્યુ હતું કે રાહુલ ગાંધી અમેરિકાની અત્યંત ટૂંકી મુલાકાતે આવશે. તે 8 સપ્ટેમ્બરે ડલ્લાસમાં, 9 અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં હશે. ડલ્લાસમાં અમે ટેક્સાસ યુનિ.માં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સમુદાયના લોકો સાથે સંવાદ કરીશું. આ ઉપરાંત અમે મોટાપાયા પર કમ્યુનિટી ગેધરિંગ પણ રાખ્યું છે. અમે ત્યાં કેટલાક ટેકનોક્રેટ્સને મળીશું અને તેના પછી અમે ડલ્લાસ વિસ્તારના આગેવાનો સાથે ડિનર કરીશું.