રૂ. ૩૨૯૪.૪ કરોડના હેલ્થકેરના આરોપી ભારતીય ડોક્ટરને રૂ. ૫૦ કરોડના બોન્ડ પર જામીન

Friday 18th January 2019 02:38 EST
 
 

હ્યુસટનઃ અમેરિકામાં રૂ. ૩૨૯૪.૪ કરોડ (૪૬.૪ કરોડ ડોલર)ના હેલ્થકેર કૌભાંડમાં આરોપી ભારતીય ડોક્ટરને રૂ. ૪૯.૭ કરોડ (૭૦ લાખ ડોલર)ના બોન્ડ પર ૧૫મીએ જામીન મળ્યા. ડો. રાજેન્દ્ર બોથરા (૭૭) હેલ્થકેર કૌભાંડમાં મુખ્ય આરોપી છે. અમેરિકાની એજન્સીઓને આશંકા છે કે, બોથરા કૌભાંડની રકમનો ઉપયોગ કરીને ભારત ભાગી શકે છે. તેથી કોર્ટે તેઓને ઘરમાં જ નજરકેદ રાખવાના આદેશ આપ્યા છે. તેઓના ઉપર જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. બોથરાને ૧૯૯૯માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

અન્ય ૫ તબીબો પણ આરોપી

બોથરા એક મહિનાથી જેલમાં હતા, તેમના સિવાય અન્ય ૫ ડોક્ટરો પણ આરોપી છે. આ તમામ સામે ડ્રગ્સને પ્રમોટ કરવા, છેતરપિંડી અને દર્દીઓને બિનજરૂરી ઇન્જેક્શન આપવાનો આરોપ છે. બોથરા વિરુદ્ધ આરોપોની સુનવણી જુલાઇમાં થશે. તેઓની પત્ની અને દીકરીએ પણ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા પડશે.

દંડ તરીકે બોથરાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકારી વકીલ બોથરાની પ્રોપર્ટીનો યોગ્ય મૂલ્યાંકન નથી કરી શક્યા, પરંતુ તેની વેલ્યુ રૂ. ૨૪૮.૫ કરોડ (૩.૫ કરોડ ડોલર) હોવાનો અંદાજ છે. બોથરાની એક રિયલ એસ્ટેટ કંપની હોવા અંગે પણ જાણકારી મળી છે. તેઓની કંપનીની પાસે ૨૨ પ્રોપર્ટી છે.

એચઆઈવી જાગૃતિ અભિયાન

બોથરા ભારતમાં ગરીબો અને બીમારો માટે કામ કરતા રહ્યા છે. તેઓ દર વર્ષે ૮ અઠવાડિયા માટે સ્વખર્ચે ભારત આવે છે. આ દરમિયાન તેઓ એચઆઇવી અને ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ અભિયાન ચલાવે છે. તમાકુ અને શરાબની લતના શિકાર લોકોને પણ માહિતી આપે છે. ભારતમાં બોથરાના ભાઇ-બહેન રહે છે. અહીં પણ તેઓએ રોકાણ કરીને રાખ્યું છે.

બોથરા અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તા પણ છે. વર્ષ ૧૯૮૦ અને ૧૯૯૦માં બોથરાએ તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ માટે ફંડ એકઠું કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter