રોકસ્ટાર રોકી પટેલઃ લોયરથી સિગાર નિર્માતા સુધીની અવિશ્વસનીય સફર

Wednesday 14th September 2016 07:22 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકન રોકી પટેલ એક લોયરમાંથી સિગાર નિર્માતા બન્યા છે. આપણે ઘણી વખત મૂવી અને અન્ય મીડિયામાં લોયર્સને બે હોઠ વચ્ચે ચિરુટ દબાવીને બેઠેલા અને ગોળ રિંગના ધૂમાડા કાઢતા જોયા છે. જોકે, અહીં આખી વાત અલગ છે. એક લોયરે સિગાર બિઝનેસ શરૂ કરવા માટે પોતાની લો પ્રેક્ટીસ છોડી દીધી. રોકી ધૂમ્રપાન પણ કરે છે અને સિગારનું વેચાણ પણ કરે છે.

ભારતમાં જન્મેલા અને વિસ્કોન્સિનના મેડિસનમાં ઉછરેલા રોકી પટેલ લોયર બનવા માટે કેલિફોર્નિયા ગયા.૧૯૯૦ના દાયકાના મધ્ય ભાગમાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટર્ની તરીકે કામ કર્યું. ત્યાં પહેલી વખત તેઓ સિગાર બિઝનેસથી પરિચિત થયા અને તેમાં ઝંપલાવવાની શક્યતા શોધવા લાગ્યા. સિગાર ઉત્પાદનના ક્ષેત્રમાં પહેલા તો તેમણે શોખ ખાતર રોકાણ કર્યું. પછી તેમાં થોડું વધારે રોકાણ કર્યું અને છેવટે તેને સંપૂર્ણપણે બિઝનેસ તરીકે અપનાવ્યું. જોકે, તે પહેલા તેમણે સિગાર મેકીંગ બિઝનેસની સંપૂર્ણ સમજ મેળવી લીધી હતી અને તેની તકો તથા પડકારોથી સંપૂર્ણ વાકેફ હતા.

૧૯૯૯માં રોકી પટેલે લો પ્રેક્ટીસ છોડી દેવાનું સાહસિક પગલું ભર્યું. તેઓ આખા દેશમાં ફર્યા અને ફ્લોરિડાના નેપલ્સમાં ત્રણ કર્મચારીઓ સાથે ‘રોકી પટેલ પ્રિમીયમ સિગાર્સ’ની શરૂઆત કરી.

તેઓ નિષ્ઠા, લગાવ, સખત પરીશ્રમ અને કૃતનિશ્ચયતાને લીધે થોડા વર્ષમાં જ તેમની બ્રાન્ડને ક્વોલિટી, લોકપ્રિય અને સાતત્યપૂર્ણ બનાવવામાં સફળ થયા હતા. ખાસ કરીને તો તેમણે પરંપરાથી અલગ દૂર થઈને કામકાજ કર્યું હતું. રોકી પટેલે જણાવ્યું હતું કે તેઓ તેમની પ્રોડક્ટ્સને વધુ તેજ અને અલગ જ બનાવવા માગતા હતા. લક્ઝરી અને લાઈફસ્ટાઈલ ચોઈસને દર્શાવતી તેમની સિગાર્સ પ્રસંગો વખતે પણ આનંદ અને ઉજવણી માટે છે. તેમણે ઉમેર્યું હતું કે સિગારને ફાર્મથી લઈને ગ્રાહક સુધી પહોંચવાની પ્રક્રિયામાં ૪થી ૫ વર્ષનો સમય જાય છે અને તેમાં ૩૦૦ જેટલા લોકોની ભૂમિકા હોય છે.

હાલ રોકી પટેલ ૨,૫૦૦ કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. તેઓ દર વર્ષે હાથ બનાવટની ૨૦ મિલિયન સિગાર બનાવે છે. તેનાથી વાર્ષિક ૫૦ મિલિયન ડોલરની આવક ઉભી થાય છે. ‘સિગાર એફિસીઓનાડો’ના મે-૨૦૧૬ના રિપોર્ટ પ્રમાણે ૧૨ બિલિયન સિગારનું વેચાણ થાય છે. અમેરિકાના પ્રિમીયમ હેન્ડમેડ સિગાર માર્કેટને દર વર્ષે ૩૨૦ મિલિયન ડોલર સિગારનો ઓર્ડર મળે છે, જેમાંની મોટાભાગની મશીન દ્વારા બને છે. આ માર્કેટમાં રોકી પટેલની સિગારનો હિસ્સો ૭ ટકાથી ઓછો છે.

પટેલે જણાવ્યું હતું કે સિગારનો ઉલ્લેખ થાય ત્યારે કોલેજના સ્ટુડન્ટ્સ તેમની બ્રાન્ડને તરત જ ઓળખી જાય છે. તમામ લીગલ વયજૂથના લોકોને ધૂમ્રપાન માટે પ્રેરવાના પ્રયાસ તરીકે સિગારના ભાવ ખૂબ નજીવાથી લઈને પ્રિમીયમ (એક નંગના ૭ ડોલરથી ૨૫ ડોલર વચ્ચે) રખાયા છે. તેમણે ઉમેર્યું કે તેમની કંપનીની સિગારની ૩૫ બ્રાન્ડ છે જે કદ, આકાર અને ટેસ્ટમાં અલગ છે.

પટેલ પોતાની પ્રોડક્ટને ૨૦૧૦માં ફ્લોરિડાના નેપલ્સમાં શરૂ કરેલી હાઈ એન્ડ સિગાર લોન્જ ‘બર્ન’ મારફતે પ્રમોટ કરે છે. સિગાર સ્મોકર્સ ત્યાં બેસીને સિગાર પીએ છે અને પ્રસંગોની ઉજવણી પણ કરે છે. તેમની યોજના ઈન્ડિયાનાપોલિસ, નેશવિલે, પીટ્સબર્ગ, એટલાન્ટા અને અન્ય સ્થળોએ મળીને નવી આઠ લોન્જ શરૂ કરવાની છે.

માર્કેટમાં છવાયેલા રહેવા માટે રોકી પટેલ સંખ્યાબંધ ઈવેન્ટ્સ અને પ્રમોશન્સ કરે છે. તેઓ દર વર્ષે ૨,૦૦૦થી વધુ લોકોને હોન્ડુરાસમાં તેમની ફેક્ટરીની મુલાકાત કરાવે છે. આ બધા ઈવેન્ટમાં તેમને રોક સ્ટાર જેવો આવકાર અપાય છે અને તેની ટિકિટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ જાય છે. આ પ્રતિભાશાળી વ્યક્તિ સાથે હેન્ડશેક કરવા માટે રોકી પટેલના ફેન્સની લાંબી કતારો લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter