વોશિંગ્ટનઃ જ્યોર્જિયામાં ગયા સપ્તાહે એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનાં મૃત્યુ થયા હતા. જ્યારે બે વિદ્યાર્થી ઘાયલ થયા છે. આ પાંચેય અલ્ફ્રેટા હાઇસ્કૂલ અને જ્યોર્જિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ દુર્ઘટના કેસમાં તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રારંભિક તપાસ પછી પોલીસનું માનવું છે કે કાર દુર્ઘટના વાહનની વધુ પડતી ગતિને કારણે સર્જાઈ છે. ચાલકે વાહનનું નિયંત્રણ ગુમાવી દેતાં વાહન પલટી મારી ગયું હતું. દુર્ઘટના સર્જાતાં રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
કરુણ સડક દુર્ઘટનામાં આર્યન જોશી અને શ્રિયા અવસારલાના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્વી શર્માનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે બે ઘાયલ વિદ્યાર્થીને સારવાર અપાઈ રહી છે. ઘાયલ વિદ્યાર્થીઓમાં રિથવાક સોમપલ્લી અને મોહમ્મદ લિયાકતનો સમાવેશ થાય છે. શ્રિયા અવસારલા યુજીએ શિકારી ડાન્સ ટીમની સભ્ય હતી. અન્વી શર્મા પણ યુજીએ અને કેપેલા સમૂહ સાથે પરફોર્મન્સ કરી ચૂકી હતી.