અમેરિકાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે મુંબઈના ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઝરી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્તિ આપી એ એક ‘ભૂલ’ છે, અને તેણે આ અંગે તેની ચિંતા પાકિસ્તાનને જણાવી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત રિચાર્ડ વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘અમે આ મુદો પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો છે અને અમે સ્પષ્ટ છીએ કે મુંબઇ હુમલાના આરોપીઓને ન્યાયના કઠેડામાં લાવવા જોઇએ. લખવીની મુક્તિ એ એક ભૂલ છે.’
મોન્ટાના યુનિ.માં હિન્દી ભાષા પણ ભણાવાશેઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મોન્ટાના તેના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી હિન્દી ભાષા શીખવાની તક પૂરી પાડશે. આ માટે ભારતથી પ્રોફેસર હિન્દી ભણાવશે. વર્ષ ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીના દક્ષિણ અને દક્ષિણ પૂર્વીય એશિયન અધ્યયન કાર્યક્રમ હેઠળ પ્રોફેસર ગૌરવ મિશ્રા વિદ્યાર્થીઓને હિન્દી ભાષા ભણાવશે. ઉત્તર પ્રદેશના વતની મિશ્રા ઓગસ્ટનામાં પ્રારંભિક હિન્દી ભણાવવા માટે અમેરિકા જશે. યુએમ લિબરલ સ્ટડીઝના પ્રોફેસર રુથ વનીતાનું કહેવું છે કે, 'આ એક દુર્લભ સન્માન અને મોટી સિદ્ધિ છે, કારણ કે દેશની માત્ર ચાર યુનિવર્સિટીઓમાં હિન્દી પ્રોફેસરોની નિમણૂક કરાઈ છે. યુનિવર્સિટીમાં હિન્દી ભાષાને એક નિયમિત શૈક્ષણિક વિષય બનાવવાનો પણ પ્રયત્ન કરશે.