વોશિંગ્ટનઃ અમેરિકાના ડેટ્રોઇટની આઇટી કંપનીના ૫૪ વર્ષીય ભૂતપૂર્વ સીઇઓ પરિમલ ડી. મહેતા સામે લાભ મેળવવા માટે શહેરના એક અધિકારીને લાંચ આપવાના કેસમાં આરોપનામું ઘડવામાં આવ્યું હોવાનું અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું છે. ૨૦૦૯થી ૨૦૧૬ દરમિયાન ડેટ્રોઇટની ટેક્નોલોજી સર્વિસીસ વિભાગની કચેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર ચાર્લ્સ ડોડને મહેતાએ ઘણી વાર રોકડમાં લાંચની ચુકવણી કરી હતી. મહેતાએ ડોડને લાંચ આપીને ખાસ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે ડેટ્રોઇટના ઇન્ટરનલ બજેટ વિશે વિશ્વસનીય અને ગુપ્ત માહિતી મેળવી હતી. મહેતા સામે મિશિગનના પૂર્વ જિલ્લામાં મૂકવામાં આવેલા ૧૧ આરોપમાં ૨૦૧૬માં ડેટ્રોઇટની એરિયા રેસ્ટોરન્ટ્સના રેસ્ટરૂમમાં મહેતા દ્વારા ડોડને બે વાર રોકડમાં લાંચ આપી હોવાનો સમાવેશ થાય છે.