વોશિંગ્ટનઃ અમેરિકામાં ૨.૫ મિલિયન ડોલરની લાંચ મેળવવા બદલ એક ગુજરાતી દોષિત ઠર્યો છે. અહેવાલ અનુસાર, ૬૭ વર્ષના ભાસ્કર પટેલ સામે સરકારી ઇમારતોમાં એનર્જી સેવિંગ પ્રોજેક્ટ કામના કોન્ટ્રાક્ટ અપાવવા જુદી જુદી કંપનીઓ પાસેથી ૨૫ લાખ ડોલરની લાંચ મેળવવાનો આરોપ હતો. ભાસ્કર પટેલ પેટા-કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં લઈને તેમને કામ મળે એ માટે ભલામણ કરતો હતો.
એક ન્યૂઝ પોર્ટલમાં જણાવ્યા મુજબ ફ્લોરિડાના રહેવાસી ભાસ્કર પટેલ મેસેચ્યુસેટમાં એન્ડેવર સ્થિત સ્નાઇડર ઇલેક્ટ્રિક બિલ્ડિંગ અમેરિકા નામની કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર હતા ત્યારે તેણે આ કટકી લીધી હતી. ભાસ્કર પટેલ સામે સબ-કોન્ટ્રાક્ટરો પાસેથી ગેરકાયદે નાણાં મેળવવાનો આરોપ હતો. આ રકમ ૬ જૂન ૨૦૧૧થી ૧૯ એપ્રિલ ૨૦૧૬ દરમિયાન મેળવવામાં આવી હતી. રટલેન્ડની ફેડરલ કોર્ટે તેને આ ભયંકર ગુના માટે કસૂરવાર ઠેરવ્યો છે. આ કેસમાં તેને મહત્તમ ૧૦ વર્ષની સજા થઈ શકે છે. સાથે સાથે જ તેને આકરો દંડ પણ થઇ શકે છે.
ભાસ્કર પટેલ સામે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થતા જ કંપનીએ તરત તેને છૂટા કરી દીધા હતા. સાતમી ડિસેમ્બરે સજા ફરમાવાશે ત્યાં સુધી તે જામીન પર રહેશે. જજે કહ્યું હતું કે ભાસ્કર પટેલને સત્તાવાર રીતે જેલમાં મોકલાય તે પહેલાં ફેડરલ પ્રોબેશન ઓફિસર્સ સજા પહેલાંની તપાસ કરશે. ફરિયાદી સાથે થયેલા કરાર મુજબ, ભાસ્કર પટેલ સજા પહેલાં ફરિયાદીને ૯.૫ લાખ ડોલર આપશે તો ફરિયાદી ૧૭.૫ લાખ ડોલર જતા કરવા તૈયાર છે. તપાસ વેળા પટેલની મર્સીડીઝ કાર, છ રિંગ, ૧૮ બંગડીઓ, છ પેન્ડેન્ટ, ૩૫,૭૦૦ ડોલર સહિતની સંપત્તિ જપ્ત થઇ છે.