હ્યુસ્ટનઃ અમેરિકાની લાયબ્રેરીએ તેના ગુમ થયેલા પુસ્તકોના લગભગ બે લાખ ડોલરનો ખર્ચ વસૂલ કરવાના પ્રયાસમાં હવે આક્રમક પગલું લીધું છે. ચોકક્સ સમય કરતાં વધુ સમય સુધી પુસ્તકો પોતાની પાસે રાખનારા લોકોને દંડ ફટકારવાનો અને જેલની સજા આપવા સુધીનો નિર્ણય સંચાલકોએ લઈ લીધો છે. અનેક ભૂલકણાં લોકોને આ પગલું પરેશાનીમાં મૂકી શકે છે.
અલબામામાં એથેન્સ-લાઈમસ્ટોન પબ્લિક લાયબ્રેરીએ તેના ગુમ થયેલા પુસ્તકો પરત મેળવવાના પ્રયાસ અંતર્ગત નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે જેમાં દંડ અને સંભવિત જેલની સજાની જોગવાઈ પણ હશે. શહેરના એક નોટિફિકેશન દ્વારા પુસ્તકાલયનું કાર્ડ ધરાવનાર કોઈ વ્યક્તિ જો જાહેર પુસ્તકાલયમાંથી લીધેલી કોઈપણ સામગ્રી પરત ન કરે કે ઈનકાર કરે તો તે ગેરકાયદેસર ગણાશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ નોટિફિકેશન ભંગ કરનારી કોઈપણ વ્યક્તિએ ૧૦૦ ડોલર સુધીનો દંડ ભરવો પડી શકે છે તેમજ તેને ૩૦ દિવસ સુધી જેલની સજા પણ થઈ શકે છે અથવા તો બંને સજા પણ થઈ શકે છે. આ નિર્ણય મ્યુનિસિપલ જજની મુનસૂફી પર નિર્ભર રહે છે. લાયબ્રેરીના ડિરેક્ટર પોલ લોરિટાએ કહ્યું હતું કે આ પગલું ભરવું જરૂરી છે કેમ કે લોકો લાયબ્રેરીમાંથી ઘણાં પુસ્તકોની ચોરી કરે છે. એટલું જ નહીં, ઘણાં લોકો લાઈબ્રેરીમાંથી પુસ્તક લઈ લે છે અને પછી જેમની પાસે લાઈબ્રેરીનું કાર્ડ ન હોય તેવા લોકોને પૈસા લઈને વાંચવા આપી દે છે. પછી તેમની પાસે પુસ્તક પાછા આવતા જ નથી.