વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટેની ઝુંબેશ અત્યારે બન્ને પક્ષે પૂરજોશમાં ચાલી રહી છે. એ દરમિયાન સતત પ્રિ-પોલ પણ થઈ રહ્યા છે. એવા જ એક પ્રિ-પોલનું તારણ કહે છે કે અત્યારે ૫૧ ટકા અમેરિકન મતદારો પોતાના આગામી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને બદલે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને જોવા માગે છે.
બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસિદ્ધ કરેલી ૩૫ પાનાની બુકલેટમાં લખાયું છે કે, ૨૦૦૮માં ભારતીય રાજકારણી અમરસિંહ દ્વારા ક્લિન્ટન ફાઉન્ડેશનને ૧૦,૦૦,૦૦૧ ડોલરથી ૫૦,૦૦,૦૦૦ ડોલર જેટલી જંગી રકમ દાનમાં આપી હતી.
બુકલેટમાં એવો પણ દાવો થયો છે કે ભારતને સિવિલિયન ન્યુક્લિયર ટેક્નોલોજી આપતો કરાર કરવા કે સોદો કરવા અમરસિંહ સપ્ટેમ્બર ૨૦૦૮માં અમેરિકા ગયા હતા તે વખતે તેઓ અમેરિકાના સાંસદ હિલેરી ક્લિન્ટનને મળ્યા હતા. જ્યાં હિલેરીએ તેમને ડેમોક્રેટ્સ દ્વારા સોદાને અવરોધવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. આ બુકલેટમાં હિલેરીના કથિત ગોટાળાની વિગતો પણ છે.