લોસ એન્જેલસઃ અમેરિકાના લોસ એન્જેલસના સાન ડિયાલ ખાતે સેન્ડવિચ સ્ટોર ધરાવતા ૬૨ વર્ષીય પ્રવિણ પટેલની લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા થઇ છે. બીજી જૂને બનેલી આ ઘટનામાં હત્યારો ફરાર થઇ ગયો હતો અને પોલીસે તેને પકડવા ૨૦૦૦૦ ડોલરના ઇનામની જાહેરાત કરી હતી. ઘટના ક્રમની માહિતી મુજબ લૂટારાને પ્રવિણ પટેલે તમામ રકમ આપી હતી. લૂટારો નાણા લઇને બહાર નીકળ્યો ત્યારે પ્રવિણ પટેલ તેની પાછળ ગયા હતા. આ જોઈને લૂંટારાએ તેમના પર ગોળીબાર કર્યા હતા અને મૃત્યુ નિપજાવી ભાગી છૂટ્યો હતો. ગોળીબારના અવાજ સાંભળી નજીકના દૂકાનમાંથી મહિલા દોડી આવી હતી અને પોલીસને ફોન કર્યો હતો. પ્રવિણ પટેલ અને તેમનાં પત્ની અહીં રેસ્ટોરાં ચલાવતા હોવાનું પરિજનોએ જણાવ્યું હતું. આસપાસના લોકો તેમને પીટર તરીકે ઓળખતા હતા.