લોસ એન્જેલેસ: પોલીસે પહેલી ઓક્ટોબરે મધરાતે એક કારનો પીછો કરીને તેમાં સફર કરી રહેલી અશ્વેત વ્યક્તિને ઠાર મારી હતી. રાતે એકના સુમારે પોલીસે જોયું હતું કે પેપર પ્લેટ ધરાવતી એક કાર દોડી રહી હતી. પોલીકાર ચોરીની હોવાની શંકા જતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ઊભી ન રહેતાં પોલીસે કારનો પીછો કર્યો હતો. રસ્તામાં કારમાં સફર કરી રહેલો પ્રવાસી કારમાંથી ઊતરીને એક ઇમારત પાછળ છુપાઈ ગયો અને કાર ભાગી ગઈ હતી. પોલીસે ઇમારત પાછળ છુપાયેલા અશ્વેતને ઠાર મારતાં પોલીસનો વિરોધ થવા લાગ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી શસ્ત્ર મળી આવ્યું છે અને તેથી જ વ્યક્તિને ઠાર મારી હતી. ઘટનાની જાણ થતાં જ સંખ્યાબંધ લોકોએ એકઠાં થઈને અશ્વેતને પોલીસ દ્વારા ઠાર માર્યાને મુદ્દે વિરોધ શરૂ કરી દીધો હતો.