વોશિંગ્ટન - નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાનની યાત્રા દરમિયાન ટ્રમ્પ દ્વારા મોદી માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા પણ છે.
વડાપ્રધાન મોદી ફ્રાન્સની યાત્રા સંપન્ન કર્યા પછી 12 ફેબ્રુઆરીએ પેરિસથી સીધા જ સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચશે તેવા અહેવાલ છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ વડાપ્રધાન મોદી 14મી ફેબ્રુઆરી સુધી અમેરિકાની રાજધાનીમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ અમેરિકાના કોર્પોરેટ અગ્રણીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે.
ગત સોમવારે પદગ્રહણ કર્યા પછી પહેલી વારની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવે તેવી શક્યતા છે. એ ભારતીય નેતાની સાથે જલદી સંપર્કને લઈને ઉત્સક રહ્યા છે, તથા મોદી અને ટ્રમ્પની વચ્ચે વ્યક્તિગત સંબંધો પર ભરોસો રાખે છે, જેનાથી બંને દેશોની વચ્ચે મજબૂત સહયોગનો માર્ગ મોકળો થશે તથા સંભવિત મુશ્કેલ મુદ્દાઓના કારણે સંબંધોને નબળા થતા બચાવી શકાશે.
બન્ને દેશના નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધથી લઇને માલસામાનની આયાત-નિકાસ પર ટેરિફ અને અમેરિકામાં વસતાં ગેરકાયદે ભારતીયોના મુદ્દે ચર્ચા થવાની સંભાવના હોવાના અહેવાલો છે.
બન્ને દેશોમાં તડામાર તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાતના પગલે નવી દિલ્હી અને વોશિંગ્ટનમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મોદીની આ અમેરિકા મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ પછી ટ્રમ્પે પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી શક્યતઃ ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસની મુલાકાતે આવી શકે છે. હવે આ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
ટ્રમ્પે બીજી વખત અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ દ્વિપક્ષીય વોશિંગ્ટન મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતની તારીખો યોગ્ય સમયે જાહેર થશે.