લોસ એન્જલસઃ યુએસ કોર્ટે ભારતીય મૂળના વિવાદિત યોગગુરુ વિક્રમ ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. તેમના પર તેમના પૂર્વ કાયદા સલાહકાર મિનાક્ષી ‘મિકી’ જાફા બોડેને દુષ્કર્મના આક્ષેપ કર્યા હતા. તે કેસમાં ચૌધરીને તેમણે ૬૮ લાખ ડોલરનું વળતર આપવાનું હતું, પરંતુ યોગગુરુએ હજી તેની ચૂકવણી કરી નથી. તે પછી કોર્ટે ધરપકડ વોરન્ટ જારી કર્યું છે.
લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ એડવર્ડ મોર્ટેને ૨૪ મેના રોજ ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરતાં કહ્યું હતું કે તે ૮૦ લાખ ડોલર ભરીને જામીન મેળવી શકે છે. કોર્ટમાં યોગગુરુ તરફથી કોઇ વકીલ હાજર નહોતા રહ્યા. ચૌધરીએ ગયા વર્ષે કહ્યું હતું કે કાનૂની ફીના રૂપમાં લાખો ડોલર ચૂકવ્યા પછી તેઓ લગભગ દેવાળિયા બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે ચૌધરી પર વર્ષ ૨૦૧૩માં તેમના પૂર્વ કાયદા સલાહકાર મિનાક્ષીએ દુષ્કર્મના આક્ષેપ કર્યા હતા. કોર્ટે આ વર્ષે મીનાક્ષીની તરફેણમાં ચુકાદો આપતાં ચૌધરીને મિનાક્ષીને વળતર ચૂકવવા આદેશ કર્યા હતા. મિનાક્ષીના વકીલ કાર્લા મિનાર્ડે કહ્યું કે જાન્યુઆરીમાં કોર્ટનો ચુકાદો આવ્યા પછી ચૌધરી કેલિર્ફોનિયામાંથી ફરાર છે. જોકે તેમની મિલકતોની જાણકારી મેળવી લેવામાં આવી છે.
શરાબ-શબાબના શોખીન
મિનાક્ષીએ જાન્યુઆરીમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે વિક્રમે લગભગ ૫૦૦ મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. શરાબ અને શબાબ તેમના જીવનનો ભાગ હતાં. યુવાન વિદ્યાર્થિનીઓ પર જ તેની નજર રહેતી હતી. મિનાક્ષીએ દાવો કર્યો હતો કે તેણે વિક્રમને અનેક યુવતી સાથે સંબંધ બાંધતા જોયો છે.
વિક્રમ ચૌધરી કોણ છે?
૭૦ વર્ષના વિક્રમ ચૌધરી અમેરિકામાં વિક્રમ યોગના સ્થાપક છે. મેડોના, લેડી ગાગા, ડેવિડ બેકહામ, ડેમી મૂર, ચેલ્સી ક્લિન્ટન જેવી હાઈપ્રોફાઇલ હસ્તી તેમના અનુયાયી છે. વિશ્વભરમાં તેમના ૭૦૦થી વધુ વિક્રમ યોગ સ્ટુડિયો છે. ૪૦ વર્ષ પહેલાં તેમણે અમેરિકામાં પગ મૂક્યો હતો ત્યારે ત્યાંનાં લોકો માટે યોગ નવી વસ્તુ હતી.