વોશિંગ્ટનઃ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ૧૩મી મેએ મોડી રાત્રે વિઝાની મુદત પૂરી થયા પછી અમેરિકામાં વસવાટ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા એક કડક નીતિની જાહેરાત કરી છે. આ નીતિ ૯ ઓગસ્ટથી લાગુ થશે. જે પ્રમાણે ગેરકાયદે વસવાટના સમયની ગણતરીમાં બદલાવનો પ્રસ્તાવ છે. પ્રસ્તાવિત નીતિ અંતર્ગત વિદ્યાર્થીના ગેરકાયદે વસવાટનો સમય તેનું ઇમિગ્રેશન સ્ટેટસ પૂરું થતાંની સાથે જ શરૂ થશે. તેનો એર્થ એ કે વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થાય તે દિવસથી જ અમેરિકામાં તેનો વસવાટ ગેરકાયદે ગણાશે.
જેમ કે, એફવન વિઝા ધરાવતા વિદ્યાર્થીને અભ્યાસ પૂરો થયા પછી ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ અપાય છે જે દરમિયાન તે તેનાં સ્ટેટસને વર્ક વિઝામાં બદલી શકે અથવા તો અમેરિકા છોડી જઈ શકે, પરંતુ હવે આ નવી નીતિને પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં પરમેનન્ટ રેસિડેન્સી મેળવવામાં મુશ્કેલી પડશે. જો વિદ્યાર્થી ૧૮૦થી વધુ દિવસ સુધી ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરતાં ઝડપાશે તો તેના પર અમેરિકાપ્રવેશમાં ૩થી ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.
ઇમિગ્રેશન કાયદાની નિષ્ણાત કંપની ફ્રેગોમેને જણાવ્યું છે કે, નવી નીતિ અંતર્ગત જેમને વર્ક વિઝાનું સ્ટેટસ નથી મળ્યું અથવા જે લોકો વર્ક વિઝા માટે અરજી કરવા માગે છે અથવા પરમેનન્ટ રેસિડેન્સી માટે પોતાનું સ્ટેટસ બદલવા માગે છે તેવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે.