વોશિંગ્ટન: અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતીય ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (‘રો’) પર અમેરિકામાં પ્રતિબંધ મુકવાની ભલામણ કરી છે. સાથે જ દાવો કર્યો છે કે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. આયોગે ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ બહાર પાડયો છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે શીખ અલગતાવાદીઓની હત્યામાં ‘રો’નો પણ હાથ છે. અમેરિકી આયોગે આ આરોપ લગાવીને ખાલિસ્તાનીઓને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે, અગાઉ આવો જ પ્રયાસ કેનેડા પણ કરી ચુક્યું છે.
ભારત સરકારે આ રિપોર્ટની આકરી ટીકા કરીને અમેરિકાના આયોગને પક્ષપાતી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે અમેરિકી સરકારના આયોગનો આ રિપોર્ટ અત્યંત પક્ષપાતી છે, આયોગે કેટલીક ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ આયોગ ભારતની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરવાના એજન્ડા પર કામ કરી રહ્યું છે.