ન્યૂ યોર્ક: ન્યૂ યોર્ક સ્ટેટમાં એક વિમાન દુર્ઘટનામાં ભારતવંશી મહિલા તબીબે તેમના પતિ અને બે સંતાનો સાથે જીવ ગુમાવ્યા છે. સિક્સ સીટર વિમાન કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ પર લેન્ડીંગની તૈયારીમાં હતું ત્યારે જ દુર્ઘટના સર્જાઇ હતી. પંજાબના વતની મહિલા ડોકટરનું નામ ડો. જોય સૈની હતું અને તે નિષ્ણાત યુરો ગાયનેકોલોજીસ્ટ હતાં. તેમની સાથે તેમના પતિ ડો. માઇકલ ગ્રોફ, પુત્રી કરેના અને પુત્ર જેરેડ અને તેમના બે મિત્રો પણ વિમાનમાં સવાર હતાં. ડો. જોય સૈનીના પતિ ડો. માઇકલ ગ્રોફ ન્યૂરોસાયન્સટીસ્ટ હતા અને ન્યૂરોસાયન્સના એક્ઝિક્યુટીવ મેડિકલ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. માઈકલ ગ્રોફ આ વિમાન ઉડાવતા હતા અને ખુદ એક ખૂબ જ અનુભવી પાયલોટ હતાં.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી)ના તપાસ અધિકારીએ કહ્યું હતું કે નાનું મિત્સુબિશી એમયુ-ટુબી વિમાન ન્યૂ યોર્ક શહેરથી 200 કિમી દૂર કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ પર ઉતરવાનું પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે પાઇલટની ભૂલથી આ ઘટના સર્જાઇ હતી.