વોશિંગ્ટનઃ અમેરિકાના એક સિક્યોરિટી હેકરે વિમાન હેક કરીને તેને સાઈડ વેમાં ઉડાવતાં હાહાકાર મચ્યો છે. હેકરે વિમાનની ઈનફ્લાઈટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમને હેક કરી લીધા પછી તેના એક એન્જિનને આદેશ આપતાં તે ઉડ્યું હતું. હેકરે એન્જિનને ક્લાઈમ્બ મોડ પર જવાનો આદેશ આપ્યો હતો. જેના પછી વિમાન સાઈડ વેમાં ઉડવા લાગ્યું હતું. ડેનવરની વન વર્લ્ડ લેબ્સના ક્રિસ રોબર્ટ્સ એ સમયે પ્લેનમાં હતા અને તેણે એ સમયે વિમાન હેક કરતાં વિમાન અચાનક સાઈડ વેમાં ઉડ્યું હતું એવું એફબીઆઈના અહેવાલમાં જણાવાયું હતું. એપ્રિલમાં બનેલી આ ઘટનામાં એફબીઆઈએ હેકર માટે સર્ચ વોરંટ જારી કર્યું છે.
ભારતીય પોલીસમેનને અમેરિકામાં પ્રતિષ્ઠિત સન્માનઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં હ્યુસ્ટન પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બજાવવા બદલ ભારતીય મૂળના એક ૪૪ વર્ષના ભારતીય અમેરિકન પોલીસમેનને પ્રતિષ્ઠિત ‘ટોપ સિવિલયન સુપરવાઈઝર ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો છે. એક સમારંભમાં પોલીસ વડા ચાર્લ્સ એ મેક્કલેન્ડ અને મેયર અનિસ પારકરના હસ્તે હરકીરતસિંહ સૈનીને આ સન્માન અર્પણ થયું હતું. પોલીસ રેકોર્ડ સુપરવાઈઝર તરીકે કાર્યરત સૈની છેલ્લાં ૧૫ વર્ષથી હ્યુસ્ટન વિભાગમાં ફરજ બજાવે છે. હરકીરતસિંહ સૈની ખૂબ જ સક્ષમ ઓફિસર છે અને તેઓ જ આ એવોર્ડના હક્કદાર હતા. હ્યુસ્ટન પોલીસ વિભાગ તેમની આ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવે છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારી મુઝ્ફફર સિદ્દીકીએ કહ્યું હતું.
હાર્વર્ડમાં એશિયનો સાથે વંશીય ભેદભાવઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિર્વિસટીઓ પૈકીની એક હાર્વર્ડમાં પણ વંશીય ભેદભાવ રાખવામાં આવે છે તેવું બહાર આવ્યું છે. આશરે ૬૦ જેટલા એશિયન વિદ્યાર્થીઓએ યુનિર્વિસટીમાં આ ભેદભાવનો ભારે વિરોધ કર્યો છે અને ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ કરનારા ૬૦ વિદ્યાર્થીઓમાં ચીન, ભારત, કોરિયા અને પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે. તેમનો દાવો છે કે હાર્વર્ડમાં હોંશિયાર વિદ્યાર્થીઓની સાથે ભેદભાવ રાખવામાં આવે છે, કેમ કે તેઓ એશિયન હોય છે, કુશળતા હોવા છતાં તેમને અન્યાય થાય છે. જોકે હાર્વર્ડ યુનિર્વિસટીએ દાવો કર્યો છે કે એડમિશનની પ્રક્રિયામાં પૂરતી કાળજી રાખવામાં આવે છે અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. એક દસકામાં હાર્વર્ડમાં એશિયન વિદ્યાર્થીઓની સંખ્યા ૧૭.૬ ટકા વધી ૨૧ ટકા થઇ છે.
ટેક્સાસમાં ગેંગવોર, નવ લોકોનાં મોતઃ અમેરિકાના ટેક્સાસમાં આવેલા વેકોની ટ્વિન પિક્સ રેસ્ટોરન્ટમાં ૧૭ મેએ બપોરે બે બાઈકર ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને અન્ય ૧૮ લોકો ઘવાયા છે. આ રેસ્ટોરન્ટ ભારતીય મૂળની વ્યક્તિ ચલાવે છે. તમામ મૃતકો બન્ડીડોસ અને કોસેક્સ બાઇકર ગેંગના સભ્યો હોવાનું સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.