વોશિંગ્ટન: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસે વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેમના કેટલાક નિવેદનોથી માંડીને વિવાદાસ્પદ નેતાઓ સાથેની મુલાકાત ભારતમાં બહુ ચર્ચાસ્પદ બની છે. ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી અભિગમ માટે જાણીતાં અમેરિકન સાંસદ ઈલ્હાન ઓમર સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ એક ટોચના અમેરિકન રાજદ્વારી ડોનાલ્ડ લૂ સાથે પણ પણ મુલાકાત કરી હતી.
અમેરિકન વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા સાઉથ અને સેન્ટ્રલ એશિયા મામલાઓને જોતાં રાજદ્વારી ડોનાલ્ડ લૂની કામગીરી વિવાદાસ્પદ રહી છે. ડોનાલ્ડ લૂ પાકિસ્તાનથી માંડીને બાંગ્લાદેશ સુધીમાં સરકારો ઊથલાવવા માટે પંકાયેલા છે. આ દેશોમાં થયેલા તખતાપલટમાં લૂની ભૂમિકા શંકાસ્પદ રહી હતી.
રાહુલ ગાંધીની ઈલ્હાન ઉમર સાથેની મુલાકાતની તસવીર સામે આવતાં જ ભાજપે નિશાન સાધતાં જણાવ્યું હતું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં ઇલ્હાન ઉમરની મુલાકાત કરી જે પાકિસ્તાન પ્રાયોજિત ભારત વિરોધી અવાજ છે, એક કટ્ટરપંથી ઈસ્લામવાદી છે અને સ્વતંત્ર કાશ્મીરની માંગ કરે છે. ભાજપે કોંગ્રેસ પર ખુલ્લંખુલ્લા ભારતવિરોધી કામ કરવાનો આરોપ મૂક્યો હતો. અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે અમેરિકામાં રાહુલ આ એજન્ડા માટે જ સમર્થન એકત્ર કરી રહ્યા છે.
ઈલ્હાન ઉમર સતત વિવાદમાં
ઉલ્લેખનીય છે કે ઈલ્હાન ઉમર અમેરિકાના મિનિસોટા ખાતેથી ડેમોક્રેટિક પક્ષની સાંસદ છે. તે અમેરિકી સાંસદ બનનાર પ્રથમ આફ્રિકા શરણાર્થી છે. ઈઝરાયેલવિરોધી ટિપ્પણી કરતા તેને વિદેશી મામલાની સમિતિમાંથી હટાવી દેવાઈ હતી. ઈલ્હાન પર તેના સગા ભાઈ સાથે લગ્ન કરવાનો અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો ટ્રમ્પે આક્ષેપ કર્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી થયા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો વિદેશ પ્રવાસ હોવાથી સહુ કોઇની આ પ્રવાસ પર નજર હતી. અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે ભારતીય સમુદાયથી માંડીને રાજનેતાઓ સાથેના શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની કામગીરીની એક યા બીજા પ્રકારે આકરા શબ્દોમાં ટીકા કરીને પસ્તાળ પાડી હતી.
‘ચીનને ઠેકાણે પાડવામાં મોદી નિષ્ફળ’
વોશિંગ્ટનમાં પ્રતિષ્ઠિત નેશનલ પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાડોશી દેશ ચીનના સૈન્ય દ્વારા ભારતની 4000 સ્ક્વેર કિમી જમીન પચાવી પાડવી એક મોટું ડિઝાસ્ટર છે. મોદી ચીનને ઠેકાણે પાડવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતની વિદેશી નીતિ, અમેરિકા સાથેના સંબંધો, પાકિસ્તાન સાથે વાતચીત અટકાવવા સહિતના મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકારની સાથે છે. એક સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે લદ્દાખમાં ચીને દિલ્હી જેવડો વિસ્તાર પચાવી પાડયો છે.
રાહુલ ગાંધીને જ્યારે પૂછાયું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે વિવાદ છે તો તેમણે જવાબમાં કહ્યું હતું કે ના એવું કઇ નથી. હું નથી ઇચ્છતો કે અમેરિકા ભારતના કોઇ પણ આંતરીક મામલામાં દખલ આપે, અમારા આંતરીક મામલાનો નિર્ણય દેશના નાગરિકો લેશે.
બાંગ્લાદેશ અંગે રાહુલે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વધ્યો છે તેને લઇને ભારત ચિંતિત છે. જોકે મને લાગી રહ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થઇ જશે. ભારતની લોકશાહીના વખાણ કરતા રાહુલે કહ્યું હતું કે ભારતમાં લોકશાહીને લઇને જે પણ વિવાદો છે તે અમારા અંગત છે, તેને અન્ય કોઇ પણ દેશ સાથે કઇ લેવાદેવા નથી. અમે લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસો કરીશું.