વોશિંગ્ટનઃ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બે ભારતીય અમેરિકનોને વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા સોંપ્યા છે. જેમાંથી એક ગુજરાતી છે. ગુજરાતી અમેરિકન વિશાલ અમીનની નવા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટના કોઓર્ડિનેટર તરીકે અને નેઓમી રાવની ઓફિસ ઓફ ધી રેગ્યુલેટરી એફેર્સની વહીવટકર્તા તરીકે નિમણૂક કરાઈ છે. કોપીરાઈટ, પેટન્ટ અને ટ્રેડમાર્કના કાયદાઓના અમલની રણનીતિ અને સમન્વયની જવાબદારી વિશાલ અમીન અને નેઓમી રાવને સોંપાઈ છે.
અમીન તેમાંથી કોપીરાઈટ, પેટન્ટ અને ટ્રેડમાર્ક એજન્સી માટે અમેરિકન કાયદા અમલીકરણ રણનીતિનું સંકલન સંભાળશે. આ પહેલાં વિશાલ અમીને રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના શાસનમાં પણ વ્હાઈટ હાઉસમાં ડોમેસ્ટિક પોલીસી ડાયરેકટર એસોસિએટેડ તરીકે સેવા આપી હતી. તે કોમર્સ ડિપાર્ટમેન્ટ ઓફ યુએસમાં ખાસ મદદનીશ પણ રહી ચૂક્યા છે.
અમીનને રાષ્ટ્રપતિના વહીવટી કાર્યાલયમાં ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટના કોઓર્ડિનેટર તરીકે નિમવામાં આવ્યા છે. ડોનાલ્ટ ટ્રમ્પે ઘણા મહત્ત્વના વહીવટકર્તાઓની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. જો સેનેટમાંથી અમીનના નામને મંજૂરી મળે તો તે ડેનિયલ માર્ટીનની જગ્યા લેશે. અમીન હાલ હાઉસ ઓફ જ્યુડિશિયરી કમિટીમાં સિનિયર લોયર છે. અમીને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી ન્યૂરોસાયન્સની બેચલરની ડિગ્રી અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.