એસ્કો (મિનેસોટા)ઃ દરેક વ્યક્તિને ઘરમાં પંખા સાફ કરવા, લાઈટ-બલ્બ બદલવા, સાફ-સફાઈ કરવા માટે ઊંચા ટેબલની જરૂરત પડે છે. પરંતુ, અમેરિકાના મિનેસોટા સ્ટેટના એસ્કોમાં રહેતા ટ્રેપ પરિવારની વાત અલગ છે. આ ફેમિલીના પાંચ મેમ્બર્સ - સ્કોટ, ક્રિસી, સવાના, મોલી અને એડમની એવરેજ હાઈટ 6 ફૂટ 8.03 ઈંચ છે.
સૌથી નાની વયના એડમની હાઈટ જ 7 ફૂટ 3 ઇંચ છે. જ્યારે, સવાના 6 ફૂટ 8 ઈંચ અને મોલી 6 ફૂટ 6 ઈંચ ઊંચાં છે. પરિવારની સૌથી નીચી મેમ્બર ક્રિસીની હાઈટ પણ 6 ફૂટ 3 ઈંચ છે. જયારે, સ્કોટ 6 ફૂટ 8 ઈંચ ઊંચો છે.
ત્રણેય ભાઈ-બહેનો સ્પોર્ટ્સમાં અગ્રેસર છે. મોલી વોલિબોલ અને એડમ બાસ્કેટબોલ રમે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડની ટીમનો તેમણે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, એક ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા તેમની ઊંચાઇ માપ્યા બાદ પરિવારને વિશ્વના સૌથી ઊંચા પરિવારનો ખિતાબ આપવામાં આવ્યો છે.
ગિનેસ બુકમાં નામ નોંધાયાનું બહુમાન મળ્યું છે અને તેના આધારે આખી દુનિયામાં એક અલગ ઓળખ મળી છે તે બધું સાચું, પરંતુ પરિવારને રોજિંદા જીવનમાં નાનીમોટી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, સામાન્ય કરતાં વધુ પડતી હાઈટને કારણે કોઇ પણ દરવાજામાં એકદમ નમીને પ્રવેશવું પડે છે અને લાંબા પગને લીધે કાર ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે ટ્રેપ ફેમિલીએ આ બધી મુશ્કેલીઓને ગૌરવભેર સ્વીકારી લીધી છે.
બાસ્કેટબોલ પ્લેયર્સ સિવાય લગભગ દરેક વ્યક્તિ કરતાં ઊંચા હોવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે પરિવારના સભ્યોને જાહેરમાં અનેક લોકોની કોમેન્ટ્સનો સામનો કરવો પડે છે. જોકે આ ટિપ્પણીઓના કારણે તેઓ જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યા છે. તમામ સભ્યોએ એક ફિલસૂફી અપનાવી લીધી છેઃ લોકો શું વિચારશે તે અંગે આપણે વિચારવાની જરૂર નથી. બીજા વિશે અભિપ્રાય આપતા રહેવા એ તો દુનિયાની સૌથી ખતરનાક બીમારી છે. લોકોના વિચારો આપણા કંટ્રોલ બહાર હોય છે એટલે આપણી પરિસ્થિતિનો સ્વીકાર કરીને પોતાના કામને કર્તવ્યનિષ્ઠાથી કરવું એ જ જીવનનો સાચો બોધપાઠ છે.