વોશિંગ્ટનઃ અમેરિકાના આઇટી એન્જિનિયર પોલ ક્લિંગરે વિશ્વનું સૌથી ટચુકડું લેપટોપ બનાવ્યું છે. આ લેપટોપ એટલું નાનું છે કે તેની સ્ક્રીન માત્ર ૧ ઇંચની છે જયારે ડિસ્પ્લે ૦.૯૬ સેન્ટીમીટરનું છે. આ લેપટોપ બનાવવામાં તેને ફક્ત ૭ દિવસ લાગ્યા છે અને ખર્ચ ૮૫ ડોલર થયો છે.
પોલના જણાવ્યા અનુસાર, તેણે આ લેપટોપનું નામ ‘થિંક ટાઇની’ રાખ્યું છે. આ લેપટોપ આઇબીએમના થિંકપેડનું નાનું રૂપ છે. આ નાના લેપટોપમાં થિંકપેડની જેમ જ કીપેડની વચ્ચે લાલ રંગનું ટ્રેક પોઇન્ટ સ્ટાઇલ કર્સર કંટ્રોલર પણ અપાયું છે. તેમાં ૩૦૦ એમએએચની બેટરી લાગેલી છે, જેને ચાર્જ પણ કરી શકાય છે. અને હા, ખાસ વાત તો રહી જ ગઇ કે આ મિની લેપટોપમાં યુઝર ગેમ પણ રમી શકે છે.