ન્યૂ યોર્કઃ વિશ્વનું લાંબુ એરક્રાફ્ટ એરલેન્ડર ૧૦નું વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વાર પરીક્ષણ કરાયું હતું અને એ પછી આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ વર્ષ ૨૦૧૨માં તેને પોતાના ઉપયોગ માટે બનાવ્યું હતું, પણ બાદમાં આ પ્રોજેક્ટ પડતો મુકાતા હવે એક બ્રિટિશ કંપનીએ એરોપ્લેન કે એરશિપને બદલે આ પ્રોજેક્ટને એરક્રાફ્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં આ એરક્રાફ્ટે બેન્ડફોર્ડશાયરમાં પ્રથમ વખત હેંગરની અંદર ઉડાન ભરી હતી. એ પછીથી એન્જિનિયર્સે વ્યાવસાયિક રીતે ઉડાવવા માટે અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યું હતું. આ વિશાળ એરક્રાફ્ટની લંબાઇ ૩૦૦ ફૂટ એટલે કે ૯૩ મીટર છે અને માર્ચ મહિનાથી તે સંપૂર્ણ વ્યાવસાયિક રીતે ઊડાવવામાં આવશે.
એરલેન્ડર નામના વિમાનને અમેરિકન સેનાએ વિકસાવ્યું હતું, પણ સેનાના અધિકારીઓને આ વિમાન પર ઝાઝો ભરોસો પડ્યો નહોતો. બ્રિટિશ કંપનીએ ઉદ્યોગોમાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આ પ્રોજેકટને વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ૮૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ બનાવેલા ફુગ્ગા જેવા દેખાતા આ એરક્રાફ્ટના ટેસ્ટિંગ માટે વૈજ્ઞાનિકોએ અનેક ફેરફારો સાથે આધુનિક એન્જિન ફિટ કર્યું છે અને એરક્રાફ્ટમાં ૧.૩ મિલિયન ક્યુબિક ફિટ હિલિયમ ભરવામાં આવ્યું છે. હાલમાં તો આ એરક્રાફ્ટને ૭૦ માઇલની ત્રિજ્યામાં જ ઉડાનની પરવાનગી મળી છે. ગયા વર્ષે જ્યારે તેનું ટેસ્ટિંગ કરાયું હતું ત્યારે એરક્રાફ્ટને રોકવા માટે ચાર વિશાળ ટ્રકોમાં બે ટન સિમેન્ટના બ્લોક ભરીને કામે લગાડાયા હતા. આ વખતે તેને રોકવા માટે પણ નવી પદ્ધતિ વિચારાઈ રહી છે. એરલેન્ડર વિશ્વના સૌથી મોટા વિમાન એરબસ ૩૮૦થી પણ મોટું છે અને વર્ષ ૧૯૩૦માં જર્મનીએ બનાવેલા ઝેપલીન આર-૧૦૧ એરશિપથી નાનું છે.