વોશિંગ્ટનઃ સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે વિશ્વનો સૌથી શાંત રૂમ તૈયાર કર્યો છે. આશરે ૧૦.૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ રૂમમાં એટલી શાંતિ પ્રવર્તે છે કે તમે તમારા હૃદયના ધબકારાનો અવાજ પણ સ્પષ્ટ સાંભળી શકો છો. વોશિંગ્ટનના રેડમંડ સંકુલમાં આવેલા કંપનીના હેડ ક્વાર્ટરમાં બનેલા આ રૂમમાં એટલી હદે શાંતિ પ્રવર્તે છે કે કોઈ પણ વ્યક્તિ ૪૫ મિનિટથી વધુ સમય ત્યાં રહી શકતી નથી. અમુક લોકો તો રૂમમાં એક મિનિટ પણ રહી શકતા નથી. અહીં એટલો સન્નાટો હોય છે કે લોકો ગભરાઈ જાય છે. અહીં અવાજનું પ્રમાણ માઇનસ ૨૦.૩ ડેસિબલ નોંધાયું હતું. હવે વિશ્વના સૌથી શાંત ખંડ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાવાનું છે.
છ નક્કર દીવાલો વચ્ચે બનેલો આ રૂમ સંપૂર્ણપણે અર્થક્વેક-પ્રૂફ છે. દરેક દીવાલ એક-એક ફૂટ જાડી છે, જેના કારણે બહારનો અવાજ અંદર સુધી પહોંચતો નથી. રૂમની દીવાલો, ફ્લોર અને સીલિંગમાં ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરાયો છે, જેથી પડઘા ન પડે. રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ૨૧-૨૧ ફૂટ છે.
રૂમની અંદર ફ્લોર એ જ સ્ટીલ કેબલથી બનાવાયો છે કે જેનો ઉપયોગ ફાઈટર જેટ્સનો અવાજ રોકવા માટે કરાય છે, જેથી એરક્રાફ્ટ કેરિયર પર ઉતરે ત્યારે નીચે જાળી જેવી બનું જાય છે. કંપનીનાના એન્જિનિયરે ગોપાલે કહ્યું કે આ પરિસરમાં આવી ૭ સાઉન્ડ ચેમ્બર બનાવાઈ છે. કંપની પાસે આવી કુલ ૨૫થી વધુ ચેમ્બર છે અને તે તેના દરેક ઉપકરણમાં અવાજને મહત્ત્વ આપે છે.
માઇક્રોસોફ્ટના એન્જિનિયર હુંદરાજ ગોપાલે કહ્યું કે હેડફોન અને માઉસ બટનના અવાજનું પરીક્ષણ કરવા માટે આ રૂમ બનાવાયો છે.