નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વીતેલા સપ્તાહે દેશની શાસનધુરા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પહેલી વખત તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ખાસ કરીને દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા બંને નેતાઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ અગાઉ ટ્રમ્પે ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા પછી 7 નવેમ્બરે મોદીએ ટ્રમ્પને ફોન પર અભિનંદન પાઠવ્યા હતા. બન્ને નેતાઓએ ટેલિફોન પર દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક મુદ્દાઓની ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ વિશ્વશાંતિ માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત એક શાનદાર દેશ છે. તેઓ પીએમ મોદી તેમજ ભારતને સાચા મિત્ર માને છે. ટ્રમ્પે અગાઉ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરીને તેમને એક શાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા અને આખી દુનિયા તેમને પ્રેમ કરે છે તેમ જણાવ્યું હતું.
ગત સપ્તાહે 20 જાન્યુઆરીએ ટ્રમ્પની શપથવિધિ વખતે ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી એસ. જયશંકર હાજર રહ્યા હતા તેમણે ટ્રમ્પને ભારતના વડાપ્રધાન મોદીએ લખેલો પત્ર સુપરત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ X પર લખ્યુંઃ મારા મિત્ર ટ્રમ્પ...
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું હતુંઃ મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરીને મને ઘણો જ આનંદ થયો. તેમને તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળની સફળતા માટે અભિનંદન આપ્યા. અમે પરસ્પર લાભકારી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે આપણા લોકોના કલ્યાણ માટે તેમજ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.