ન્યૂ યોર્ક: વિશ્વના સફળતમ રોકાણકાર વોરેન બફેટ (93)ના ‘ચાણક્ય’ તરીકેની ઓળખ ધરાવતા ચાર્લી મંગેરનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પહેલી જાન્યુઆરી, 2024ના રોજ શતાયુ થવાના ન્યૂ ઇંગ્લેન્ડ ટેક્સટાઇલ ફર્મને ચાર્લીએ વિશ્વની સૌથી સફળ રોકાણકાર ફર્મ બર્કશાયર હેથવે બનાવી હતી. તેઓ 1964થી અત્યાર સુધી બફેટ સાથે મળીને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આ કંપનીનું સંચાલન કરતા હતા. બફેટ ચેરમેન હતા. એકમાત્ર ચાર્લી જ એવી વ્યક્તિ હતા જે 99 વર્ષની વયે પણ કંપની સંચાલનમાં સક્રિય હતા.
ચાર્લી કંપનીના આર્કિટેક્ટ, હું સામાન્ય કોન્ટ્રાક્ટરઃ વોરન બફેટ
ચાર્લી પહેલી જાન્યુઆરી, 1924ના રોજ અમેરિકાના નેબ્રાસ્કા સ્ટેટના ઓમાહા શહેરમાં જન્મ્યા હતા. બાળપણમાં તેમણે બફેટના દાદાની દુકાન પર કામ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે ગણિતમાં સ્નાતક થવા માટે મિશિગન યુનિવર્સિટીમાં ગયા. પર્લ હાર્બર પર હુમલો થયા પછી સેનામાં જોડાઈ ગયા. બાદમાં વકીલાત પણ કરી.
આ દરમિયાન, જીવનમાં ઘણી બધી ઊથલપાથલ પણ થઈ. પત્નીથી જુદા થવું પડ્યું. 9 વર્ષના પુત્રનું મૃત્યુ થયું. ગણિતની કુશળતાનો લાભ લઈને સ્ટોક માર્કેટ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા લાગ્યા. તેમણે ‘પુઅર ચાર્લીઝ આલ્મનેક’’ પુસ્તકમાં લખ્યું છે કે ‘મને બહુ જલદી સમજાઈ ગયું કે કંપનીઓના વકીલ બનવાને બદલે તેમના ધનિક ગ્રાહક બની જવું જોઇએ.’ 1956માં તેમણે નેન્સી બેરી સાથે લગ્ન કર્યાં. 1959માં લાંબા સમય પછી બફેટને મળ્યા. બફેટે ડિનર પર બોલાવ્યા અને બંનેએ મોડી સાંજ સુધી વાતો કરી. ટૂંક સમયમાં જ બંને રોજ ફોન પર રોકાણની રણનીતિઓ અંગે વાતો કરવા લાગ્યા. ત્યાર પછી શરૂ થઈ સફળ રોકાણકારોની જોડીની અનોખી યાત્રા.
બફેટે ચાર્લી માટે લખ્યું છે કે - ચાર્લીએ મને ખૂબ જ સરળ મંત્ર આપ્યો... ‘અદ્ભુત કિંમતે યોગ્ય વ્યવસાય ન ખરીદો. યોગ્ય મૂલ્યથી અદ્ભુત વ્યવસાય ખરીદો.’ એ આર્કિટેક્ટ હતા અને હું સામાન્ય કોન્ટ્રાક્ટર.