વોશિંગ્ટનઃ વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે એશિયન અમેરિકનો માટે ભારતનું દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...’ વગાડયું હતું. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક વાર્ષિક કાર્યક્રમમાં મહેમાનોને ભારતના લોકપ્રિય વ્યંજનો પણ પીરસવામાં આવ્યા હતા, જેમાં પાણીપૂરી, સમોસા અને મીઠાઈઓ સામેલ હતી. એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આ બીજી વાર બન્યું છે જ્યારે વ્હાઇટ હાઉસમાં ભારતનું દેશભક્તિ ગીત વગાડવામાં આવ્યું હતું. છેલ્લે 23 જૂન 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર અમેરિકા યાત્રા દરમિયાન આ ગીત વગાડવામાં આવ્યું હતું.
ભારતીય અમેરિકન અગ્રણી અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે. આ મહત્ત્વપૂર્ણ આયોજન વ્હાઈટ હાઉસની પહેલ પર એશિયન અમેરિકનો, હવાઈ મૂળના લોકો તેમજ પેસિફિક આઇલેન્ડના લોકો માટે અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર પંચની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કરાયું હતું. આ પ્રસંગે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ હાજરી આપી હતી. તેમણે મહેમાનોને આવકાર્યા હતા અને સંબોધન પણ કર્યું હતું.
ભારતના લોકપ્રિય વ્યંજન પીરસાયા
રિસેપ્શનમાં ભારતીય સ્ટ્રીટ ફૂડને પણ સમાવાયું હતું, જેમાં પાણીપુરી, સમોસા અને અન્ય ભારતીય મીઠાઈઓ સામેલ હતી. ભુટોરિયાના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે અહીં પાણીપૂરી સર્વ કરાઈ હતી. હું આ વખતે પણ પાણીપૂરી શોધી રહ્યો હતો અને અચાનક જ એક સર્વર પાણીપૂરી લઈને આવ્યો હતો. તે અદ્ભુત હતું. પાણીપૂરીનો સ્વાદ થોડો તીખો જરૂર હતો પરંતુ તે ખૂબ જ સરસ હતી.
બાઇડેને મહેમાનોને આવકાર્યા
કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાજર થયેલા લોકોને રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમજ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આવકાર આપ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા ભારતીય અમેરિકન નેતા અજય ભુટોરિયાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં ઊજવાયેલો આ એક અદ્ભુત ઉત્સવ હતો.