એક તરફ ભારતમાં અસહિષ્ણુતા અંગે મોટી ચર્ચા છેડાયેલી છે ત્યારે તાજેતરમાં અમેરિકામાં અસહિષ્ણુતાની પરાકાષ્ઠાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકી પોલીસે વર્ષ ૨૦૧૪માં થયેલી એક રંગભેદની ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં એક પોલીસ ૧૭ વર્ષના અશ્વેત કિશોરને ૧૬ ગોળીઓ ધરબી દેતાં નજરે પડી રહ્યો છે. આ વીડિયો જાહેર થતાં જ અમેરિકાના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કેટલેક ઠેકાણે હિંસાની ઘટનાઓ પણ બની છે.
ઠેર-ઠેર હિંસા ભડકી, પોલીસ સ્ટેશનોનો ઘેરાવ
આ ઘટના બાદ અમેરિકાના લોકોનું હૃદય ભરાઈ આવ્યું હતું. શિકાગો શહેરમાં તણાવભર્યું વાતાવરણ થઈ ગયું છે. લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરવા ચાલુ કરી દીધા છે અને પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરાઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે મારામારીની છૂટક ઘટનાઓ પણ થઈ હતી.