આણંદઃ ચરોતરના ખેડા જિલ્લાના લસુન્દ્રાના વતની અને અમેરિકાના શિકાગોમાં એડવોકેટ અને રિઅલ એસ્ટેટ એટર્ની તરીકે વ્યવસાય કરતા ૩૫ વર્ષના તરવરિયા યુવાન જીગર પટેલની તેની જ ઓફિસમાં જ દોરી વડે ગળે ટુંપો આપીને હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. શિકાગો પોલીસે ગુનો નોંધીને હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. જીગર પટેલના પિતા કિરીટભાઈ પટેલ શિકાગો પહોંચ્યા બાદ અંત્યેષ્ઠી થશે.
લસુન્દ્રામાં રહેતા કિરીટભાઈ પટેલ ૧૯૭૧ના દાયકામાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં જ દીકરા જીગરનો જન્મ થયો હતો. જીગર પટેલ નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો અને તેણે હાઈસ્કૂલ બાદ ડીપોલ યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ થયા પછી એમબીએ કર્યું હતું. આ પછી તેણે શિકાગોમાં ઇલિનોયમાં રિઅલ એસ્ટેટ એટર્ની તરીકે વ્યવસાય શરૂ કર્યો હતો. જીગરના લગ્ન ચરોતરની યુવતી એલિશા પટેલ સાથે થયા હતા અને પરિવાર સાથે તેઓ અમેરિકામાં જ સેટલ થયા હતા. તેમને આર્યાના અને એમિલા નામની બે બાળકી છે.
જીગર પટેલ દરરોજ ઓફિસમાં કામકાજ પતાવ્યા બાદ પ્લે સેન્ટરમાં મૂકેલી બન્ને દીકરીઓને લઈને સાંજે ઘરે પહોંચતા હતા. સાત ડિસેમ્બરે તેઓ નિત્યક્રમ અનુસાર ઘરે ન પહોંચતા અને સાંજના સાડા પાંચ વાગ્યા જેટલો સમય થઇ જતાં પત્ની એલિશાએ મોબાઇલ ફોન પર તેમજ ઓફિસમાં ફોન દ્વારા સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જોકે એક પણ પ્રકારે સંપર્ક ન થઇ જતાં તેમણે શિકાગો પોલીસનો સંપર્ક કર્યો હતો.
જેમાં તેમની હત્યા થયાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જીગર પટેલને દોરી વડે ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું હતું. હત્યા પાછળ જાતીય ભેદભાવ કે પછી ધંધાકીય હરીફાઈ કે બીજું ક્યું કારણ જવાબદાર છે તે શોધવા પોલીસ તપાસ કરી રહી છે.
પરિવારમાં હત્યા, અપમૃત્યુના બનાવો
જીગર પટેલના પરિવારમાં હત્યા અને અકસ્માતનો ભોગ બનવાની આ પહેલી ઘટના નથી. અગાઉ જીગર પટેલના કાકા ઘનશ્યામભાઈ પટેલની પણ અમેરિકામાં તેમના રેસ્ટોરાં પાસે ગોળી મારીને હત્યા કરી નંખાઇ હતી. જ્યારે બીજા કાકા દેવેન્દ્રભાઈ તેમના પત્ની કોકીલાબેન અને બે બાળકોનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ નીપજ્યું હતું. જીગર પટેલની હત્યા બાદ પોલીસે સ્થળ અને આસપાસના સર્વેલન્સ સીસીટીવી કેમેરા ઉપરાંત જીગર પટેલના વ્યાસાયિક પ્રતિસ્પર્ધીઓની પણ તપાસ હાથ ધરી છે.