ન્યૂ યોર્કઃ એસના શીખ અભિનેતા અને ડિઝાઇનર વારિસ આહલુવાલિયા સાથે તાજેતરમાં વંશીય ભેદભાવની ઘટના બની. અમૃતસરના વતની વારિસને તેમની શીખ પાઘડીના કારણે એર મેક્સિકોના એક વિમાનમાં બેસતાં અટકાવાયો હતો. વારિસે આ ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજે સવારે મેક્સિકો સિટીમાં મને એવી સૂચના અપાઈ કે મારી પાઘડીના કારણે હું એર મેક્સિકોની ન્યૂ યોર્કની ફ્લાઇટમાં નહીં બેસી શકું.’ સુરક્ષાના કારણો આગળ ધરીને તેને તપાસ માટે પાઘડી ખોલવા કહેવાયું હતું. જોકે વારિસે પાઘડી ખોલવાની ના પાડી દેતા અધિકારીઓએ તેને વિમાનમાં બેસવાની ના પાડી દીધી હતી.
વારિસ જાણીતા જ્વેલરી ડિઝાઇનર અને ‘હાઉસ ઓફ વારિસ’ કંપનીના સ્થાપક છે. તેઓ હોલિવૂડની ‘ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ’ અને રણદીપ હૂડાને લીડ રોલમાં ચમકાવતી દીપા મહેતાની કેનેડિયન ક્રાઇમ થ્રીલર ‘બીબા બોયઝ’ સહિત ફિલ્મો અને ટેલિવિઝન સિરીઝમાં કામ કરી ચૂક્યો છે. ક્લોથિંગ-એસેસરીઝ કંપનીની એડ ચમકનારા પ્રથમ શીખ તરીકે તેણે ઘણી ખ્યાતિ મેળવી હતી.